કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૩૧.જણ જીવો જી


૩૧.જણ જીવો જી

લાભશંકર ઠાકર

ઠાકરની આંખમાં ઠળિયા રે રણ જીવો જી.
હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવો જી.
તૂટ્યા કડડ સાત સળિયા રે જણ જીવો જી.
ખૂટ્યાં નાગર તારાં નળિયાં રે જણ જીવો જી.
મારગમાં મોહનજી મળિયા રે જણ જીવો જી.
રાધાનાં હાડ સાવ ગળિયાં રે જણ જીવો જી.
ઢાળથી ઊથલજી ઢળિયા રે જણ જીવો જી.
અધવચ પાથલજી મળિયા રે જણ જીવો જી.
ખાવું શેં ? પીવું શેં ? લાળિયા રે જણ જીવો જી.
હાલતા ને ચાલતા પાળિયા રે જણ જીવો જી.
ખટમાસ ઊંઘમાં ગાળિયા રે જણ જીવો જી.
ખટમાસ વ્હેણ સાવ વાળિયાં રે જણ જીવો જી.
ભડભડ ચેહમાં બાળિયા રે જણ જીવો જી.
અમથાં અલખ અજવાળિયાં રે જણ જીવો જી.
(ટોળાં અવાજ ઘોંઘાટ, પૃ. ૩૩)