કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી


૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી

લાભશંકર ઠાકર

ઘડું છું મને પણ હજી ઘડાયો નથી.
મારે મને ઘડીને ઘટ રૂપે તરવું છે.
ક્યાં ?
જીવનસરિતામાં.
શા માટે ?
તરતાં તરતાં મારે સામા કાંઠે જવું છે.
વ્હાય ?
ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે.
કોણ ?
મારેય તે જાણવું છે કે
સામા કાંઠે કોણ અને શા માટે કોઈ
મારી પ્રતીક્ષા કરે છે.
પણ રે તું ક્યારે ઘડાઈ રહીશ ?
ઘડતાં ઘડતાં
હું
મને એ જ પૂછું છું :
રે હું ક્યારે ઘડાઈ રહીશ ?
(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૯૪)