કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૫. બિનઝાંઝરવા

૩૫. બિનઝાંઝરવા


છુમક છુમક નહિ નાચું
રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

કાંસાના પોટલિયા વચ્ચે કંકર પટકે કાયા,
સાગરનાં મોજાંને ક્યાં છે એ ઘમઘમની માયા?
છમાછમ છુમક છુમક
નહિ નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

બિના છમાછમ ઝરણાં નાચે, નાચત નભના તારા,
પાયલ ક્યાં પહેરે છે કોઈની નાડીના ધબકારા?
છમાછમ છુમક છુમક
નહિ નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

વનનો મોર અને ઘન-બીજલ નાચત બિનઝાંઝરવા,
ઝાંઝર બિન આ દિલ નાચે ને બિનઝાંઝર નેનનવાઃ
છમાછમ છુમક છુમક
નહિ નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

તન નાચે પણ મન ના નાચે, પગ નાચે પણ પ્રાણ ન નાચે,
ભીતરના ઝંકાર વિનાના રૂમઝૂમમાં નહિ રાચું –
રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.
(દીપ્તિ, પૃ. ૧૦૨)