કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૯. રંગડો

૪૯. રંગડો


કોણે તે રંગડો રાખ્યો —
માણિગર! કોણે તે ઢોળી નાખ્યો?
કે રંગડો મેંદીમાં મલકાયો,
કે રંગડો કેસૂડે છલકાયો.

રંગાય તેનાં રૂદિયાં રાજી ને
રાજી તે થાય રંગનારાં,
અરસપરસની મર્માળી આંખમાં
મોજીલાં બંદર-બારાં —
માણિગર! મોજીલાં બંદર-બારાં.

કોની તે પાઘડીએ પીધો
માણિગર! કોની તે ચૂંદડીએ ચાખ્યો?
કે રંગડોo

કાથો કેવડિયો ને ચૂનો કેસરિયો,
સત-શૂરી સોપારી,
પાનનાં બીડાં ઝડપી લેતાં
વિરલાં પુરુષ ને નારી.

તરસ્યાંએ રંગડો રાખ્યો માણિગર
વરસ્યાંએ ઢોળી નાખ્યોઃ
કે રંગડો મેંદીમાં મલકાયો
કે રંગડો કેસૂડે છલકાયો.

કોઈ રંગે છે તનમન જીવન
કોઈ રંગે છે વાઘા
કાચાપાકાના અધકચરા ઓરતા
રહેતા અભાગિયા આઘા
રાધાએ રંગડો રાખ્યો,
માણિગર! પિંગલાએ ઢોળી નાખ્યો.
(આચમન, પૃ. ૧૧૭-૧૧૮)