કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૫૧. સાંજનો શમિયાણો

Revision as of 09:15, 19 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૧. સાંજનો શમિયાણો|}} <poem> સમીસાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૫૧. સાંજનો શમિયાણો


સમીસાંજના શમિયાણામાં
ધીમો ધીમો ધૂપ જલે છે!
તગતગ તારક અંગારા પર
ભભરાવેલો
પ્રીતવિરહનો ધૂપ જલે છે!
સમીસાંજના શમિયાણામાં
ધીમો ધીમો ધૂપ જલે છે!
મંદ મરુત ને ધૂમ્રસેર નિજ અંગ મરોડે...
આશાભંગ બની અટવાતી ઊંચે દોડે —
સુગંધ એની સર્યા કરે છે સોડે સોડેઃ
વહાલાં જેને જાય વછોડી
તે હૈયું ગુપચુપ જલે છેઃ
સમીસાંજના શમિયાણામાંo
તેજ-તિમિરની આછી આછી રંગબિછાતે,
મોતી વચકી જાય નયનથી વાતેવાતે —
ધબકારાના પડે હથોડા દિવસે-રાતેઃ
યૌવનનું ઉપવન છે સૂનું,
ને કામણના કૂપ જલે છે!
સમીસાંજના શમિયાણામાંo
ઊની ઊની આવનજાવન કરે નિસાસા,
સપનાંઓના કંઠ રહ્યા છે પ્યાસા પ્યાસાઃ
દિલને ગમતા નથી હવે તો કોઈ દિલાસાઃ
ઘેરી ઘેરી હસે ઉદાસી,
લીલું લીલું રૂપ જલે છેઃ
સમીસાંજના શમિયાણામાંo
(આચમન, પૃ. ૧૪૩-૧૪૪)