કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૫. રામઝરૂખો

૫. રામઝરૂખો


ઝોબો આવીને જીવ જાશે,
પલકમાં પાછો આવીને પુરાશે,
પગેરું એનું વાંકુંચૂકું ને પાછું પાધરું હો જી.

શ્વાસ પાછળ શ્વાસ ભટકે ને આશ પાછળ આશ જી,
નૂગરી તૃષ્ણા તરસી ભટકે, તરસી બારે માસ–
મનખો રામવિજોગી મારા રામનો હો જી.

કાયા છે લક્કડની લાતી, લાગે લીલો બાગ જી,
માયાની છે ટાઢક એને માયાની છે આગ–
મનખો રામવિજોગી મારા રામનો હો જી.

દુનિયા છે એક ચલમ સળગતી, ગંજેરી છે લાખ જી,
શાફી નોખી, દમ અનોખા, છેવટ એક જ રાખ–
મનખો રામવિજોગી મારા રામનો હો જી.

રામવિજોગી રાજા દશરથ ડૂલ્યા, ને શબરી થઈ નહિ ડૂલ જી,
એમાં ભક્તિ કોની વખાણું, ને કોને કહું અણમૂલ?–
મનખો રામવિજોગી મારા રામનો હો જી.

રામઝરૂખે આવો રામવિજોગી વહાલાં,
રામસંજોગી થવાશે,
પગેરું એનું વાંકુંચૂકું ને પાછું પાધરું હો જી.
(સિંજારવ, પૃ. ૪૩)