કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૭. ને હું છું

૧૭. ને હું છું


કોઈની મદીલી નજર છે ને હું છું;
ખુમારી ભરેલું જિગર છે ને હું છું.

નથી નાખુદાને ખુદા પર ભરોસો,
હવે નાવડી છે, ભંવર છે ને હું છું.

નડે છે અનાદિથી ચંચળતા મનની!
અવિરામ જીવન-સફર છે ને હું છું.

નિરાશા પડી શું હૃદયના પનારે?
જીવિત ઊર્મિઓની કબર છે ને હું છું.

જનારાં ગયાં ને ગયું સર્વ સાથે
હવે શૂન્ય! વેરાન ઘર છે ને હું છું.

(શૂન્યનો વૈભવ, પૃ. ૧૯૧)