કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૮. વિચારમાં

Revision as of 06:28, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. વિચારમાં| }} <poem> એક જ છે એવો શૂન્ય જગતના શુમારમાં; આપી ગયો જે સાર જીવનને અસારમાં. એક દી', બહાર મા’ણી હતી મેં બહારમાં; આલેખ એનો છે હજુ પાલવના તારમાં. કહી દો જુદાઈને કે મિલનમાં મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૮. વિચારમાં


એક જ છે એવો શૂન્ય જગતના શુમારમાં;
આપી ગયો જે સાર જીવનને અસારમાં.

એક દી', બહાર મા’ણી હતી મેં બહારમાં;
આલેખ એનો છે હજુ પાલવના તારમાં.

કહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી;
ઝાકળ ફના થઈ જશે કિરણોના પ્યારમાં.

બે આંખની નહિ, તો નડી મનનીયે શરમ,
આવ્યાં નહિ નજરમાં તો આવ્યાં વિચારમાં.

આવે છે પાનખરના વિચારો અગાઉથી,
લૂંટી રહ્યો છું આપ હું મુજને બહારમાં.

મારી જીવન-વ્યથાનો અગર એ નથી ચિતાર,
કોના હૃદયનો રંગ છે સંધ્યા-સવારમાં?

સમભાવની નજર વિના સમજી નહિ શકો,
વાતો કરી ગયું જે હૃદય અશ્રુ-ધારમાં.

મૃત્યુ ઉપર છે શૂન્ય ફકત શાંતિનો મદાર,
જીવન કદી સફળ ન થયું એ કરારમાં.

(શૂન્યનો વૈભવ, પૃ. ૧૯૫)