કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૩. લો આવજો સલામ!

૩૩. લો આવજો સલામ!


રાહત-પસંદ સાથીઓ લો આવજો સલામ!
પંથે ચડી ગયા પછી આરામ છે હરામ?

થાકેલ મંદ ચાલ પણ મૃત્યુથી કમ નથી,
ઝડપી સમયનો કાફલો કરતો નથી વિરામ.

મનના ઉમંગી અશ્વને સંયમની કેદ શી?
કાબેલ હો સવાર તો ઊડવા દો બે-લગામ!

સૂકી સરિત આંખડી! સૂની સમાધ મન?
હદથી વધે વિયોગ તો આવે છે એ મુકામ!

ગાયે જા શૂન્ય પ્રેમને ફળની તમા વિના!
કાંટાનો તાજ હોય છે પેગંબરી ઇનામ!

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૪૩)