કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૬. શોધું છું કિનારો શા માટે?

૬. શોધું છું કિનારો શા માટે?


દુનિયાની વ્યથાઓ ક્યાં કમ છે? ઇચ્છાનો વધારો શા માટે?
મન હાય! ન જાણે વહોરે છે એ સાપનો ભારો શા માટે?

મજધારમાં ડૂબી તરવાનો વિધિનો ઇશારો છે નહિતર,
એક નાવને માટે સાગરમાં તોફાન હજારો શા માટે?

જીવનને ઓ બંધન ગણનારા! પિંજરને ઓ ભુવન કહેનારા!
માનસ તો પરાધીન છે તારું, મુક્તિના વિચારો શા માટે?

આવે છે નજર એ નજરોમાં, પણ આંખનો પરદો રાખે છે,
નજદીક રહીને આપે છે એ દૂર ઇશારો શા માટે?

પ્રસ્થાન મહીં તું સ્થિર ન બન, પ્રસ્થાન તો જીવન છે જીવન,
મંઝિલની તમન્ના શાને મન? મૃત્યુનો સહારો શા માટે?

હે શ્વાસ! જરા તો જીવનના વિશ્વાસની કિંમત રહેવા દે,
તોડે છે કરીને મૃત્યુથી પળપળમાં કરારો શા માટે?

તુજ પ્રેમની ખૂબી સમજીને નિજ પ્રાણથી પ્યારો રાખું છું,
એક બૂંદ ને એ પણ પાણીનું હો આંખનો તારો શા માટે?

કૈં શૂન્ય શિથિલતા આવી છે જીવનના ઇરાદામાં આજે,
તોફાન મહીં રમનારો હું, શોધું છું કિનારો શા માટે?

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૭)