કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૦. તારી થાળે

Revision as of 11:33, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૦. તારી થાળે

સુન્દરમ્

નથી જાણ્યું તારું વતન, કુલ, ના નામ, ગુણ ના
સુણ્યા કિંવા જાણ્યા, તદપિ તુજમાં એવું જ કશું
વસ્યું કે જે દેખી મુજ મન અહા તુર્ત જ હસ્યું,
અને મૂંગી મૂંગી કંઈ રચી રહ્યું પ્રીતિગણના?

અહો, એવું તે શું વસ્યું મનુજમાં જે અવરને
શકે છાનું છાનું પરસી, નહિ કો આડશ નડે,
અજાણ્યું તે જાણે પરિચિત યુગોનું થઈ પડે,
જગાડે આત્માને સૂનમૂન થીજેલા રુધિરને?

તને દેખું જાતી નિત તવ મહાપૂજનસ્થળે,
કરે થાળી દીવો કુસુમ, દૃઢ પાદે દૃઢ દૃગે:
છતાં ક્યારે ક્યારે ચરણ દૃગ તારાં ડગમગે,
અને તારું હૈયાવસન ઊછળે કોઈ વમળે.

દઉં તારી થાળે મુજ મન ધરી નીરમ સમ,
બને તારી યાત્રા સુદૃઢ, મન મારુંય કુસુમ.

મે, ૧૯૪૩

(યાત્રા, પૃ. ૨૭)