કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૯. ભારત ૧૯૭૦


૧૯. ભારત ૧૯૭૦

(વનવેલી)

માંડવી રોપીને અહીં ભવૈયાઓ ખેલ કરેઃ
ભાઈઓ, બેન્યો, સાંભળી લ્યો! –
આંઈ ઊભો હોઉં ત્યારે ગણપતિ સમજવો;
પણે ઊભો હોઉં ત્યારે ગામ.
આંઈ રહી ખેલ કરું – રાવણના સમજવા,
પણે રહી કરું ત્યારે રામ!

મારા વા’લા ખરેખરા ખેલ કરે,
તાણીતૂસી તાગડાને ભેળા કરે.
જોઈ જોઈ લે’ર કરો,
પાઈ પૈસો મે’ર કરો.
નહીં કોઈ પરદા કે નહીં કોઈ પટ
સીધે સીધી વારતા ને ખેલ સીધાસટ.

ઓલ્યે પણે ગામના ગમાર બધા વળી વળી વાત કરે,
કોઈ જણ હમણાં જ ગુસપુસ કરી ગયો!
કોઈ ભેદુ કોઈના કાનમાં શું કહી ગયો!

આઘે આઘે પડ્યો એક નાટકનો ખેલ,
મોટા મોટા પરદામાં ચીતરેલા મ્હેલ,
મોટા મોટા માણસ ને મોટા મોટા ખેલ!
– બજારની વચોવચ આકડાને મધ બેઠું;
ટ્રક ભરી સસલાંનાં શિંગડાંય આવી ગયાં;
કોટિ કોટિ કામ-ધેનુ ભાંભરે છે.
ચાંપ દબાવો કે બધું હાજરાહજૂર!! –

હાલો ભાઈ નાટકના ખેલ જોવા જાઈં;
હાલો ભાઈ… હાલો ભાઈ…
સાંભળો છો, ભોળિયાઓ પાછા વળો!
કાવડિયાં ખરચીને કાંઈ નહીં રળો,
આંખ ફાડી જોશો તોયે કાંઈ નહીં કળો.

ઈ તો બધા મોટા મોટા માણસના ખેલ,
કાંઈ સમજાય નહીં કોણ કિયો પાઠ કરે;
કોણ કોને મારે અને ખરેખરું કોણ મરે.
ભલી એથી આપણે તો આપણી ભવાઈ;
પાછા વળો, પાછા વળો, પાછા વળો ભાઈ!

અરે, અરે, સીતાજી તો પડમાં પધાર્યાં નથી!
આવી જશે બાપલા, એય હવે આવી જશે.
અગન-કસોટી પછી ધરતીમાં સમાવાનું ટાણું થયું;
એય હવે આવી જશે!

ઑક્ટો ’૭૦
(જળમાં લખવાં નામ, પૃ. ૭૯-૮૦)