કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૫. અડવાની આળસ


૨૫. અડવાની આળસ

અડવાને આળસ ચડી, ભર્યું બગાસું એક;
ચાલ્યો ડગલાં બે’ક ને પલંગમાં આડો પડ્યો.

ડાબે પડખે લેટતાં આવે દુષ્ટ વિચાર;
પણ અડવો તૈયાર પડખું ફરવા ના થયો!

આળસનાં પાણી ચડ્યાં ને ડૂબ્યો અડવો આપ,
બધા તાપ-સંતાપ પળમાં તો ભૂલી ગયો.

આળસ ઘેરું ઘૂઘવે ને કરે કાનમાં ગેલ,
પળમાં અડવો છેલ ને પળમાં જાતો આળસી.

અડવો ને આળસ પછી દીસે એકસ્વરૂપ,
ઊંડો ઊંડો કૂપ ને જળ નીંદરનાં ઝળહળે.

એવા એકસ્વરૂપની ભક્તિ કરશે જેહ,
કહે છે અડવો, એહ પદ અવિચળને પામશે.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૧૧)