કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૫. સદ્ગત મુકુન્દભાઈ પારાશર્યને


૩૫. સદ્ગત મુકુન્દભાઈ પારાશર્યને

જળ રે ઊંડાં ને પાછાં નીતરાં
એવાં નવલાં નવાણ,
આંખ્યું રે મીંચાણી અડધી વાતમાં
સહેવી કેમ રે આ હાણ;
શું રે સંભારું, શું રે વીસરું?

જીરવ્યું ને જીવ્યા ઝીણી ખાંતથી
ચીંધ્યા મરમીના મુકામ,
અક્ષર આળેખ્યા શીળા તેજના
ભીતરે ભજીને શ્રી રામ
એક જ્યાં સંભારું, બીજું સાંભરે.

વાતું માંડી’તી મબલખ મૂલની
ભૂલી કેમ એ ભુલાય?
વેળા વેળાની વીતી છાંયડી
મીઠી લે’રખડી વાય,
મોતી સંચ્યાં રે મોંઘાં મૂલનાં.

તીરથ કર્યાની મંછા સેવતાં
તમને મળતાં કદીક,
સતનો સમાગમ આજે આથમ્યો,
થયા આંખથી અદીઠ.
ફૂલની સુવાસે જોયા જાણશું.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૯)