કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩. હોઉં હવે તો


૩. હોઉં હવે તો

ગીતમાં ગૂંથું વાયરે વણું,
વાત ઝીલી ઝરમરની એવી
આમથી વાવું, આમથી લણું.
પીગળ્યા રૂના પોલ ટપોટપ
પીગળ્યા સીમ ને શેઢા,
ઓગળી ચાલ્યા દુખના દ્હાડા,
ગણતાં થાક્યા વેઢા.
હાંઉં હવે તો એમ થતું કે –
ટોડલા ભીંજે એટલું પાણી અમને ઘણું.
વનરાને અંકાશ ચગે કોઈ
ઝબકાતી ઠકરાત,
ભીંજતો ભીના સૂરથી ભીતર
ઝમતી ઝીલી રાત.
હાંઉં હવે તો ઊમટ્યાં લીલાં પૂર –
ઘડીમાં ફાલશે થોડું ફોરશે ઘણું.
ગીતમાં ગૂંથું વાયરે વણું.
૧૦-૬-૭૦
(જળમાં લખવાં નામ, પૃ. ૯)