કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૧. પૂર્ણાહુતિ


૪૧. પૂર્ણાહુતિ


બેટા, તું તો થઈ અદીઠ; કંઈ લીધ જુદો જ રાહ,
વહાલાં સહુને જીવનભરનો વેઠવો મૃત્યુદાહ.


જ્યારે કાકાનું અવસાન થયું ત્યારે
શિરનું છત્ર જતાં
એક રાતમાં જ વધી ગયો હતો વયમાં
દશ વર્ષ જેટલો.
પણ બેટા,
તારા અકાળ અવસાને તો
મને લાવી મૂક્યો છે મૃત્યુની સરહદમાં,
મૃત્યુની છાયામાં, મૃત્યુના ઓથારમાં…
તારી ઠરી ગયેલી ચેહની આંચ
દઝાડ્યાં કરે છે મારા શેષ આયુની ક્ષણેક્ષણને
સતત… અવિરત…


મારે તો તને વળાવવી હતી
રંગે-ચંગે, સાજન-મા’જન સાથે;
તારી પસંદગીના પંથે
રૂપાળું પાનેતર પહેરાવીને…
પણ તું તો ચાલી નીકળી
સાવ અચાનક
કોરી ચૂંદડી ઓઢીને…!
હવે અમે બધા ઝાંખી ભીની આંખે
જોયાં કરશું એ અસહ્ય કારમું દૃશ્ય
જિંદગીભર.


જિંદગીનો દરેક અનુભવ
આમ તો શીખવી જાય છે કશુંક
– પણ તારા મૃત્યુની ઘટનાએ તો
પલકમાત્રમાં ખુલ્લી કરી દીધી
આખી દુનિયાદારીને.
જેમને જિંદગીભર ઓળખી શક્યો ન હતો
તે બધાં ઓળખાઈ ગયાં…
ને જેમને ક્યારેક, અજાણતાં
કે અકારણ અન્યાય કરી બેઠો હોઈશ
તેમનામાં રહેલી માણસાઈ પણ જોઈ શક્યો.
પણ બેટા,
આટલું-અમથું જાણવા-શીખવા માટે
મારે બહુ મોટી કિંમત ચૂકવવી પડી!
ને વધારામાં રળ્યો એક સત્ય –
કે આ પીડાનો, આ વ્યથાનો, આ વેદનાનો
કોઈ ઉપાય નથી,
કોઈ ઉપાય નથી.
કોઈ જ ઉપાય નથી…


ક્યારેક ઉપરની રૂમમાં
મધુર સ્વરે કોઈક ગીત ગુંજી ઊઠે છે;
ક્યારેક વાવાઝોડા જેમ કોઈક
બારણું ખોલીને પ્રવેશે છે ઘરમાં,
ફળીમાં સાઇકલ ખખડે છે.
બધી બહેનોનાં ટોળ-ટીખળમાંથી
કલકલતા ઝરણા જેવું હાસ્ય વહી આવે છે;
દિવાળીની રાત્રે
વરંડામાં ચિરોડીના રંગોમાં
શ્રીનાથજીની મજાની છબિ આળેખાય છે;
ટેલિફોનની ઘંટડી રણકે છે…
ને આ બધી ભ્રાંતિઓ વચ્ચે જોઉં છુંઃ
ફાટી આંખે ને ફફડતા હૃદયે
હૉસ્પિટલના બિછાને તને છેલ્લા શ્વાસ લેતી
ને પછી
પંચમહાભૂતમાં વિલીન થઈ જતી…


હવે આપણા ‘ડેની’ને ‘દીઇઇક્‌કુ’ ‘બેએએટ્ટુ’
એવું એવું કહીને
હલકદાર મધુર સ્વરે કોઈ રમાડતું નથી.


જ્યારે તારી બધી બહેનો
પરણીને સાસરે ચાલી ગઈ હશે;
ને થઈ ગઈ હશે વ્યસ્ત
તેમના ઘર-સંસારમાં, ત્યારે
ઘરમાં અમે બંને
બેઠાં હોઈશું ભેંકાર જેવાં, એકલાં…
પણ ના –
ત્યારેય તું તો અમારી સાથે જ હોઈશ.
તું જ હોઈશ અમારી સાથે, તું જ –
ન્હાનપણમાં વહાલથી કોટે વળગી પડતી એમ
હૈયે વળગેલી સદાય…
અમારા મંદ થતા જતા શ્વાસોમાં ધબકતી
ને જીવતી.


આમ ને આમ
અણુ અણુમાંથી ઊઠે છે મૂંગા ચિત્કાર
ને ફૂટ્યા કરે છે હૃદયને લોહીના ટશિયા;
તેની ઝાંય ઝળૂંબી જાય છે આંખોમાં.
– કોઈ જોઈ તો નથી ગયું ને?
ખાતરી કરી લઉં છું ને લૂછી નાખું છું ચૂપચાપ.
પણ સ્મૃતિને
એમ ભૂંસી શકાતી નથી.
ને તે છતાં
કર્યા કરું છું કંઈ કંઈ વિફલ પ્રવૃત્તિઓ
બધું ભૂલી જવા.
તારી મમ્મીયે એમ જ કર્યા કરે છે
ઝીણાં-મોટાં ઘરકામ
પૂજાય કરે છે, પહેલાંની જેમ જ,
પણ તેના હૃદયમાં વ્યાપી વળેલ સૂનકાર
ક્યારેક ડોકાઈ જાય છે તેની આંખોમાં
ને ચહેરા પર;
ને એ જોઈને તો હું છળી જાઉં છું,
બેબાકળો થઈ જાઉં છું…
આ જિંદગી તો બેટા,
હવે આમ જ પૂરી થશે;
આમ જ…!


આપી આપી શું તને આપવાનાં?
ખાલી ખોટાં મન-મનવણાં આયખું કાપવાનાં!

(જળમાં લખવાં નામ, પૃ. ૨૦૩-૨૦૬)