કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે


કવિ અને કવિતાઃ હરીન્દ્ર દવે

પ્રેમની ખોજ અને માધવની શોધના કવિ હરીન્દ્ર દવેનો જન્મ ૧૯-૯-૧૯૩૦ના રોજ કચ્છના ખંભરા ગામમાં થયેલો. વતન ઉમરાળા (ભાવનગર). પિતા જયંતીલાલ દવે. માતાનું નામ સવિતાબહેન. પત્ની જયલક્ષ્મી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૪૭માં તેઓ મૅટ્રિક થયા. કૉલેજશિક્ષણની શરૂઆત ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી. પછીથી ૧૯૫૧માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૬૧માં એમ.એ. થયા. દરમિયાન, ૧૯૫૧થી ૧૯૬૨ ‘જનશક્તિ’ના ઉપતંત્રી. ૧૯૬૨થી ૧૯૬૮ ‘સમર્પણ’ના સંપાદક. ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસ (મુંબઈ)માં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૩માં ‘જનશક્તિ’ના તંત્રી અને ૧૯૭૯થી અવસાન (૨૯ માર્ચ ૧૯૯૫) સુધી ‘જન્મભૂમિ-પ્રવાસી’ના મુખ્ય તંત્રી. ૧૯૭૮માં ‘હયાતી’ માટે સાહિત્ય અકાદેમી, દિલ્હીનો ઍવૉર્ડ, ૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ૧૯૯૩માં કબીર સન્માનથી સન્માનિત. એમની પાસેથી ‘મૌન’ (૧૯૬૬), ‘અર્પણ’ (૧૯૭૨), ‘સમય’ (૧૯૭૨), ‘સૂર્યોપનિષદ’ (૧૯૭૫), ‘મનન’ (૧૯૭૫), ‘હયાતી’ (૧૯૭૬), ‘તમે યાદ આવ્યાં’ (૧૯૯૨), ‘મારગે મળ્યા’તા શ્યામ’ (૧૯૯૨), ‘ચાલ, વરસાદની મોસમ છે...’ (૧૯૯૯ઃ૧૯૬૧થી ૧૯૭૫ સુધીની તથા ‘તમે યાદ આવ્યાં’ ૧૯૯૨ સુધીની સમગ્ર કવિતાનો સંચય) પ્રાપ્ત થયાં છે. ૨૯-૩-૧૯૯૫ના રોજ ૬૪ વર્ષની વયે તેમનું અવસાન થયું. અગાઉ ૧૯૮૪માં આ કવિએ લખેલું –

‘મૃત્યુને મેં પરમ અધીરાઈથી ઝંખ્યું છે. આ ક્ષણે સમૃદ્ધ જીવન અને શાંત મૃત્યુમાંથી પસંદગી કરવાની આવે તો મૃત્યુની જ પસંદગી કરું.’

હરીન્દ્ર દવેના કવિ-કાન બાળપણથી કેળવાયેલા. કવિતા શું છે કે છંદ કોને કહેવાય એની ખબર પડે એ પહેલાં તો આ કવિને છંદમાં લખતાં આવડી ગયેલું. ભાવનગરમાં જે કોઈ કવિ, સાહિત્યકાર આવે એમની પાસે શાળામાં ભણતા હરીન્દ્ર દોડી જતા ને પોતાની કવિતાની નોટબુક બતાવતા. મહાનુભાવો પાસેથી જવાબ મળતો – ‘તમારી ઉંમર જોતાં તમારી પ્રગતિ ઘણી અસાધારણ છે.’ એમના સર્જકચિત્તમાં શિશુવયથી જ લયમાધુર્યનાં બીજ રોપાયેલાં. નાનપણમાં મોતીનગરની માંડવીમાં જોયેલી ભવાઈઓનાં ગીતોની કેટલીક તરજો એમના મનમાં વસી ગયેલી. ભાવનગરમાં મેઘાણી તથા દુલા કાગે રચેલું સાહિત્યનું વાતાવરણ અને ચારણી છંદોની રમઝટના સંસ્કાર એમના ચિત્તમાં રોપાયેલા. ભૃગુરાય અંજારિયાએ વિદ્યાર્થી હરીન્દ્રને મધ્યકાલીન સાહિત્ય વાંચવા કહેલું તેમજ શબ્દને છંદમાં યોજતી વખતે લઘુનો ગુરુ કે ગુરુનો લઘુ બોલવો ન પડે તેની કાળજી રાખવાની સલાહ આપેલી. આવી કાળજી સાથે તેઓ કવિતા વાંચતા, ગુંજતા... આ કવિએ વાલ્મીકિ, સુરદાસ, કબીર જેવા કવિઓની સાથે સાથે લોર્કા, એલિયટ, રિલ્કે વગેરેનેય મન ભરીને માણ્યા છે. શાહબાઝ પાસેથી તેઓ ઉર્દૂ તથા ફારસી કાવ્યબાનીનો પરિચય પામ્યા હતા. મીર, ગાલિબ અને જિગર મુરાદાબાદી જેવા ગઝલકારો તરફ આ કવિનો પક્ષપાત રહ્યો છે અને મીર અનીસ તથા ઇકબાલ જેવા કવિઓની આધ્યાત્મિકતાનું આકર્ષણ પણ રહ્યું છે. ૧૯૪૫-૪૬ દરમ્યાન વિજયરાય વૈદ્ય ભાવનગર ગયેલા ત્યારે સોળેક વર્ષના હરીન્દ્રએ એમને પણ કવિતાઓ બતાવી. તો એમણે બે-ત્રણ કવિતાઓ ‘માનસી’ માટે રાખી લીધી. ૧૯૪૬માં ‘માનસી’માં એમની એક કવિતા પ્રગટ થઈ ને ૧૯૪૭-૪૮માં બાકીની બે પ્રગટ થઈ. ૧૯૪૭માં ઉમાશંકર દ્વારા ‘સંસ્કૃતિ’ અને પૉંડિચેરીથી સુન્દરમ્‌ના તંત્રીપદે ‘દક્ષિણા’ સામયિકો શરૂ થયાં. ૧૯૪૮માં ‘સંસ્કૃતિ’માં એમનું એક ગીત અને ‘દક્ષિણા’માં એક સૉનેટ પ્રગટ થયું. ૧૯૪૬થી સુન્દરમ્ સાથે એમનો પત્રવ્યવહાર શરૂ થયેલો. આ પત્રવ્યવહાર થકી ધીરે ધીરે આ કવિની ભીતર આધ્યાત્મિકતા ઉઘાડ પામતી રહી. એમાંથી કૃષ્ણ માટેની આરત જાગી. આ કવિએ નોંધ્યું છે તેમ, શ્રી અરવિંદને કારાવાસમાં કૃષ્ણ મળ્યા હતા, એવી જ લાગણી એમને થયેલી. મૃત્યુની સાવ નિકટ જવાનો અનુભવ પણ એમણે કૃષ્ણની નિકટ લઈ જતો અનુભવ્યો હતો. મુંબઈ ગયા પછી એમને કવિશ્રી રાજેન્દ્ર શાહની સંગત મળી ને લયની સફાઈની સજાગતા વધી. કેફિયત આપતાં હરીન્દ્ર દવેએ રાજેન્દ્ર શાહ સાથેનો એક પ્રસંગ નોંધ્યો છે –

“૧૯૫૭માં રાજેન્દ્રભાઈ પાસે એક ગીતનો ઉપાડ લઈને ગયોઃ

‘હોઠ હસે તો ફાગુન
         ગોરી! આંખ રડે તો સાવન,
મોસમ મારી તું જ
         કાળની મિથ્યા આવનજાવન.’

રાજેન્દ્રભાઈએ પૅન્સિલથી ‘રડે’ શબ્દ છેકી ત્યાં ‘ઝરે’ શબ્દ લખ્યો. એક ચમત્કાર થતો અનુભવાયો. એક જ શબ્દના ફરકથી પંક્તિનું પોત બળકટ થઈ ગયું. આ ચમત્કારની મારા દિમાગ પર કાયમી અસર પડી. ગીતનો કોઈ શબ્દ ગાવામાં વિક્ષેપ કરે તેવો તો ન જ હોય. પણ અનુભૂતિને તીક્ષ્ણ ધારથી વીંધી નાખે એવો પણ ન હોવો જોઈએ એ સમજાયું.”

કેળવાયેલી આવી સમજના કારણે એમનાં ગીતો ખૂબ ગવાય છે. ગુજરાતના કંઠે ને હૈયે એમનાં ગીતો વસી ગયાં છે.
હરીન્દ્ર દવેનું નામ કાને પડતાં જ એમનાં અનેક ગીતો ઝરણાંની જેમ ચિત્તમાં ઊભરાવા લાગે છે, ભાવક-મન ફૂલ-ચકલી બનીને એ ગીતોનું રસ-માધુર્ય પીવા લાગે છે. બાળ-કાનુડાને પારણામાં ઝુલાવવા માટે જેમ ગોપીઓ ‘પહેલાં હું’ ‘પહેલાં હું’ – કહીને પડાપડી કરતી એમ હરીન્દ્ર દવેનાં અનેક ગીતોય ‘પહેલાં હું’ ‘પહેલાં હું’ કરવા લાગે છે. –

         રજકણ સૂરજ થવાને સમણે,
ઉગમણે ઊડવા લાગે, જઈ ઢળી પડે આથમણે.


‘ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાંઃ
         માધવ ક્યાંય નથી મધુવનમાં.’


શિર પર ગોરસમટુકી
         મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો
         ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
                           માધવ, ક્યાંય નથી મધુવનમાં.

નજાકતભર્યું કવિ-કર્મ પણ જાણે કદંબના ફૂલ-શું મહેકી રહે છે! હજી સુધી એકેય કંકર વાગ્યો નહીં ને એટલે ભાગ્ય ફૂટી ગયું!

પાન લીલું જોતાં જ આપણને હરીન્દ્ર દવે યાદ આવે. અને હરીન્દ્ર દવેને?! –

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
         જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
                  એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
         જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
                  એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

હરીન્દ્ર દવેએ ‘સૂર્યોપનિષદ’ કાવ્યસંગ્રહના નિવેદનમાં નોંધ્યું છે – ‘પ્રેમ એ મારી કવિતાપ્રવૃત્તિની પ્રથમ અને પરમ નિસ્બત છે... ક્યારેક આ પ્રેમની ખોજ નરી વાચાળતા તરફ લઈ ગઈ છે તો ક્યારેક એવી ક્ષણો સુધી લઈ ગઈ છે, જ્યાં જીવવું એ અનોખો અનુભવ બની જાય છે! ... ... આ ખોજ હયાતીમાં કરી છે, એટલી જ મૃત્યુમાં પણ કરી છે. કોઈક કોઈક ક્ષણોમાં જ્યાં હયાતી કે મૃત્યુ કોઈનો મહિમા નથી, એવા પ્રદેશનો અનુભવ પણ કર્યો છે.’

આમ પ્રેમ અને મૃત્યુ એમની કવિતાના મુખ્ય વિષયો છે. માધવની શોધ ભણી લઈ જનાર પ્રેમની ખોજ પણ ઉત્કટ, તીવ્રતમ જણાય છે. આથી જ તો પ્રિયજન પ્રેમનો મર્મ પૂછે ત્યારે આ કવિનો જવાબ શો છે?! –

તેં પૂછ્યો પ્રેમનો મર્મ
         અને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો
         સરિતાએ તોડ્યાં તટનાં બંધન.

પ્રિયજન ભલી ભાતનાં ઓઢણાં મંગાવે ત્યારે આ કવિ શું લઈ આવે છે?! –

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
                           ને એણે આણ્યું કપાસનું ફૂલ.

વસ્ત્ર કપાસમાંથી બને, આથી ‘કપાસનું ફૂલ’ કેવું સહજ પ્રતીક બની રહે છે! પ્રિયતમા આ પ્રતીકનું મૂલ્ય પામી શકે છે. એથી જ તો એ કહે છે –

એક રે સિતારો મેં માગ્યો’તો, આપ્યું એણે
                           આખું આકાશ આ અમૂલ.

પ્રણય-ફાગના રંગ ખેલનારા આ કવિ સઘળી મોસમમાં એક અહર્નિશ ફાગણને માણે છે. કવિ બે હોઠ બંધ જ રાખીને ધબકારે ધબકારે વાત કરે છે ને પલમાં આખોયે અવતાર વિતાવે છે. કવિના શ્વાસ એના કૅફના કસુંબાને ઘોળે છે. પ્રિયતમાની છલકાતી આંખ જરા ચૂમતાં જ કવિને બત્રીસે કોઠે સૂરજનો ઉજાસ પ્રગટે છે. પ્રણયના ઉત્કટ અનુભવના કારણે આ કવિમાં પ્રણયનાં ગીતો પંખીના ટહુકાની જેમ જ જાણે ‘શ્રાવણના આભમાં ઉઘાડ’ પામ્યાં છે. ચાંદની છલકવાની જેમ, એક તારો ટમકવાની જેમ, એક તરણું કોળવાની જેમ ગીતસ્વરૂપ આ કવિમાં સહજલીલયા પ્રગટ થયું છે.

લોકગીતોના લય-ઢાળ ને રૂપ-રંગ પણ આ કવિએ કાનથી અને હૈયાથી પીધાં છે. જેમાંથી ‘નજરું લાગી’, ‘થાક લાગે’, ‘મેળો આપો તો’ જેવાં ગીતો પ્રગટ્યાં છે. –

સોળ સજી શણગાર
         ગયાં જ્યાં જરીક ઘરની બ્હાર,
                           અમોને નજરું લાગી!


ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
                  મેળાનો મને થાક લાગે;

આ કવિને કેવો મેળો જોઈએ છે?! તો કૅ –

મેળો આપો તો એક માનવીની સંગ,
         અને એકલતા આપો તો ટોળે.

હરીન્દ્ર દવેએ લખવાનું શરૂ કર્યું ત્યારે આધુનિકતાનો પ્રબળ પ્રવાહ શરૂ થઈ ગયેલો. પરંતુ તેઓ આ પ્રવાહમાં તણાયા નહોતા. કેફિયતમાં એમણે નોંધ્યું છેઃ ‘સર્વત્ર આધુનિકતાની તાણ અનુભવાતી હોય ત્યારે મારા એકદંડિયા ભવનમાં બેસી મુગ્ધ પ્રેમનું ગીત કે નિર્વ્યાજ વેદનાની ગઝલ લખતાં અચકાયો નથી. સમય સાથે ઘરોબો બાંધ્યો છે, પણ મારી રીતે.’

હરીન્દ્ર દવેએ ગઝલનેય ચાહી છે. એમની પાસેથી નજાકતમઢી તથા ગઝલનો મિજાજ વ્યક્ત કરતી ગઝલો પણ મળી છે. ઉત્કટ પ્રેમ અને અધ્યાત્મનું તેજ એમની ગઝલોમાંય ઘૂંટાઈને પ્રગટ થાય છે. થોડાં ઉદાહરણો જોઈએ. –

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.


આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.


દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો.


ગમે છે એટલો તૂરો હવે મિજાજ નથી,
હું જેવો જોઈએ એવો ઉદાસ આજ નથી.


કાંકરીને તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ.


આ મારા હાસ્ય પર હું રડું નૈં તો શું કરું?
એ પણ હવે કહે છે મને કૈં વ્યથા નથી.

‘શ્રી માતાજીને’ તથા ‘શ્રી અરવિંદ’ જેવાં સૉનેટ પણ આ કવિ પાસેથી મળ્યાં છે. કેટલાંક અછાંદસમાં એમની ભીતરનો પત્રકાર પણ પ્રગટ થાય છે. એમની અછાંદસ કૃતિઓમાંથી પણ ‘ક્વોટ’ કરવા જેવી પંક્તિઓ મળી રહે છે, જેમ કે —

કોઈનો સ્નેહ
ક્યારેય ઓછો નથી હોતો:
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

માણસ તરીકેનો તથા એક સત્યનિષ્ઠ પત્રકાર તરીકેનો સ્વધર્મ તેઓ ચૂક્યા નથી. કટોકટી તેમજ સરમુખત્યારી બળો સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો. આ અવાજ તેમનાં કેટલાંક કાવ્યોમાં તારસ્વરે પ્રગટ થયો છે. ‘મારા દેશમાં’ જેવી કૃતિમાં દીન-દુખિયાં બાળકો માટેની તથા સમાજ માટેની કવિની નિસબત પ્રગટ થાય છે.

આ કવિની ભીતર ઉઘાડ પામતી આધ્યાત્મિકતા તથા કૃષ્ણ માટે જાગેલી આરત એમનાં ઘણાં કાવ્યોમાં પ્રગટ થઈ છે. આ કવિએ ભલે કહ્યું – ‘માધવ ક્યાંય નથી મધુવનમાં...’ પરંતુ એમનાં ઘણાં કાવ્યો એમને માધવ મળ્યાનીય પ્રતીતિ કરાવે છે. –

મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં કળ્યા’તા શ્યામ, કોણ માનશે?


કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
                                    આંગળીથી માખણમાં આંક્યા,
નાનકડાં નૅણ થકી ઝરમર ઝરે છે જેવાં
                                    ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં.

આ કવિએ મથુરા, વૃંદાવન, હરિદ્વાર, હૃષિકેશ, દેવપ્રયાગનો પ્રવાસ કરેલો ત્યારે વૃંદાવનમાં પંક્તિ ફૂટેલી–

આ એ જ હશે વૃંદાવન
એક સમે જ્યાં કૃષ્ણ-રાધિકા
         કરતાં આવન-જાવન?

હરીન્દ્રએ નોંધ્યું છે તેમ, ‘કૃષ્ણકવિતાનું આ પ્રથમ બીજ’. ગંગાતટે એમને એક મુખડું સૂઝેલું –

         જ્યાં ચરણ રુકે ત્યાં કાશી,
         ઝાકળનાં બિંદુમાં જોયો
                  ગંગાનો જલરાશિ.

આ ગીતનો અંતરો જોઈએ—

                  સ્પરશું તો સાકાર, ન સ્પરશું તો જે ગેબી માયા,
                  હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
                           હું જ કદી લપટાઉં જાળમાં
                                    હું જ રહું સંન્યાસી.

આ વાંચતાં તરત રાજેન્દ્ર શાહના ‘નિરુદ્દેશે’ની પંક્તિ યાદ આવે–

હું જ રહું વિલસી સહુ સંગ ને
                  હું જ રહું અવશેષે.

રમેશ પારેખે હરિકાવ્યો આપ્યાં એ પછી તો આપણે ત્યાં જાણે હરિકાવ્યોનો રાફડો ફાટ્યો છે. હરીન્દ્ર દવે પાસેથી ૧૯૯૧માં સુંદર હરિકાવ્ય સાંપડે છે. –

હરિ, અક્ષર હળવાફૂલ,
અમે સૌ ભારી રે,
...
ઝળહળ ઝળહળ સકલ, પલક
જ્યાં પરસી ગૈ ચિનગારી રે!

નક્કી આ કવિને કોઈ ચિનગારી સ્પર્શી ગઈ છે. આ કવિનાં કેટલાંક કાવ્યોની ચિનગારી ભાવકના ભીતરનેય જરૂર ઝળહળ કરશે તથા માધવની શોધ માટે પ્રેરશે.

— યોગેશ જોષી
અમદાવાદ, ૩૧-૮-૨૦૨૨