કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૦. તેડું

૧૦. તેડું

માઘમાં મેં મોકલ્યાં તેડાં: “આવો તો ગોરી!
ફાગુનમાં રમિયે ગુલાલે!”
“ચૈતર ચડ્યે રે અમે આવીશું, રાજ, તારે
ધૂડિયે તે રંગ કોણ મ્હાલે!”
“આવો તો રંગ નવો કાલવિયે સંગસંગ,
છલકાવી નૅણની પિયાલી.”
“વૅણ કેરી રેશમની જાળમાં ધરે ન પાય,
આ તો છે પંખણી નિરાળી.”
“આવો તો આભ મહીં ઊડિયે બે આપણે ને
ચંદરનો લૂછીએ રે ડાઘ.”
“નાનેરી જિંદગીની ઝાઝેરી ઝંખનાનો
મારે ગાવો ન કોઈ રાગ.”
“આવો કે અંમથી ઉકેલી ના જાય, તમે
પાડી’તી ગાંઠ જે રૂમાલે.”
“આવું બોલે તો મને ગમતું રે, વ્હાલથી
આવ્યા વિના તે કેમ ચાલે?”

૧૯૫૮

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૬-૬૭)