કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧. નહીં રહે


૧. નહીં રહે

તારા જગતમાં તારી હકૂમત નહીં રહે,
હું જાગતો રહીશ, કયામત નહીં રહે.
એ ફેંસલો થશે ને શિકાયત નહીં રહે,
કાં હું નહીં રહું, કાં મહોબત નહીં રહે.
મારી નજરમાં તારી મહત્તા મપાઈ ગઈ,
તારુંયે આસમાન સલામત નહીં રહે.
જીવન-મરણનો ભેદ બતાવી દે આજ તો,
ઝાઝો વખત એ છાની કરામત નહીં રહે.
એયે હશે પ્રણયના જમાનાનો એક રંગ,
તું ઝંખતી હશે, મને ચાહત નહીં રહે.
આલમનો પ્રેમ એને અધૂરો જ લાગશે,
મારા હૃદયમાં જેની મહોબત નહીં રહે.
તોબા કરી લીધી છે મેં તારા ગયા પછી,
હાથેથી પી લઈશ, તો લિજ્જત નહીં રહે.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૯-૩૦)