કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૪. ગમે છે એટલો તૂરો...

૩૪. ગમે છે એટલો તૂરો...

ગમે છે એટલો તૂરો હવે મિજાજ નથી,
હું જેવો જોઈએ એવો ઉદાસ આજ નથી.
કશું ગમે ત્યાં, કશું ના ગમે ત્યાં તારું નામ,
ફકીરને હવે બીજું તો કામકાજ નથી.
અમારે આમ તો એકાંતનો જ વૈભવ છે,
વ્યથાનો શોર વધે ને કોઈ અવાજ નથી.
થઈને ઠાવકા એને સ્વમાન કહી બેઠા,
ગરૂર ઓઢ્યો છે માથે, આ બીજો તાજ નથી.
જરાક ટેરવાં અડક્યાં ત્યાં ઝણઝણ્યાં છો તમે,
અમારે સૂર નથી, છંદ નથી, સાજ નથી.

૧–૧–’૭૪

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૪૬-૨૪૭)