કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૬. મારા દેશમાં

૩૬. મારા દેશમાં

મારા દેશમાં
બાળકને ઊંચે ઉછાળી,
મસ્તક પર ઝીલી
એને ધરતી પર ગુલાંટ ખવડાવાય છે,
મારા દેશમાં.
એ જોવાને
અને બાળકે ફેલાવેલી હથેળીમાં
નાનું ચિલ્લર નાખીને
કે પછી એમ ને એમ ટોળું વિખેરાય છે,
મારા દેશમાં.
શરાબી પિતા
અને ચાકરડી માતાનાં સંતાનોને
ફી ન ભરવા માટે
શાળામાંથી કાઢી મુકાય છે,
મારા દેશમાં.
પડઘમ, શરણાઈ અને વાજિંત્રો
સાથે ફાળો ઉઘરાવવા નીકળે છે
અનાથ બાળકોનું સરઘસ
મારા દેશમાં.
ધ્રુવ, પ્રહ્લાદ અને નચિકેતાના પાઠો
શાળાઓમાં ભણાવાય છે,
મારા દેશમાં.
ભાવિની પેઢીઓના
ઉદ્ધારકોની ભરતી ચઢી છે,
મારા દેશમાં.
સવારનો ચા-નાસ્તો કરી
પોતાનાં સંતાનોની બધી જ જરૂરિયાતોને સંતોષી
વ્યથિત બાળકોની કવિતા કરે છે
મારા દેશમાં.

૧૫–૫–’૭૧

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૮૩-૨૮૪)