કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૨. ફરી એ જ સાગર

૪૨. ફરી એ જ સાગર...

ફરી એ જ સાગર, ફરી એ જ નૌકા,
                           ફરી એ તરંગોની મોહક રવાની,
અહો, કેવું આશ્ચર્ય, તારી નજરમાં
                  ફરી એક ક્ષણ કાજે ઊપસી જવાની.
ફરી એણે મહેફિલ સજાવી છે મોહક,
                  ફરી દોર સાકીનો સઘળે ફરે છે,
નથી મારી સામે સુરાપાત્ર, તોયે
                  હું ઝૂમી ઊઠ્યો એ અસર કયા નશાની?
આ ઉપવનના રંગોમાં કોની હવા છે,
                  આ લહેરોમાં શ્વાસો સમાયા છે કોના?
આ ફૂલોની આંખો નિહાળે, એ શું છે!
                  લથડાતા ચરણને ખબર ક્યાં કશાની?
અહીં ધીરે ધીરે ઊતરતો રહે છે,
                  ઘટાટોપ આકાશમાંથી ધરા પર,
કહો, ભાન આવ્યું કે જાવા કરે છે,
                  ઘટી કે વધી છે અસર એ સુરાની?

૧૪–૧૦–’૮૭

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૩૭૧-૩૭૨)