કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૫. ધરતીનાં તપ


૩૫. ધરતીનાં તપ

પ્રહ્લાદ પારેખ

એવું રે તપી ધરતી એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી.

અંગ રે સુકાય તેના રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તો યે ન આવ્યો હજુ મેહુલો જતિ. – એવું રે૦

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાંયે કળાતો નથી. – એવું રે૦

કહો ને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહો ને ડુંગરાનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ? – એવું રે૦

કહો ને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર તેની આવંતી ક્યાં યે વાણી?
એની રે કમાન દીઠી તણાઈ કહીં? – એવું રે૦

આવો ને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો;
અમરત હૈયું એનું દિયોને ભરી. – એવું રે૦
(સરવાણી, પૃ. ૯)