કિંચિત્/કવિ અને રંગભૂમિ


કવિ અને રંગભૂમિ

સુરેશ જોષી

કવિને વિશે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’ એ કહેતી તો જાણીતી છે જ. કવિતાનું વર્ચસ્ સાહિત્યમાં ઘણું છે. તમે નવલકથામાં કાવ્યાત્મક અંશો આણો તો તે રોચક બને, પણ નવલકથામાં નિબન્ધ આણો તો વિવેચકો ચડભડી ઊઠે ને વાર્તારસિક વાચક એટલાં પાનાં ઓળંગી જાય.

નવલિકા અને કવિતા પણ ઘણી વાર અડોઅડ આવી જાય છે. નાટકમાંય કવિતા હોય છે, એ તો કાલિદાસ અને ભવભૂતિનો વારસો ભોગવનારને ભાગ્યે જ કહેવું પડે. આપણું સંસ્કૃત નાટક એટલે દૃશ્ય અને શ્રાવ્ય કાવ્ય. આમ નાટક તો કાવ્યનો જ પ્રકાર ગણાતું. સંસ્કૃતમાં તો કવિતાને ખોળેથી નાટક હેઠું ઊતર્યું જ નથી. વાતચીતની છટા, ટોળટિખ્ખળ વિદૂષકના ગદ્યમાં સાંભળવા મળે. રાજા નાયિકાનું વર્ણન કવિતામાં કરે, નાયિકા પ્રિયતમને પત્ર કવિતામાં લખે, વૈતાલિક સમયનું ભાન કરાવવાને કવિતામાં એનું વર્ણન કરે. સહેજ ડગલાં બે ડગલાં ભર્યાં કે કવિતા હાજર જ છે.

આપણી જૂની રંગભૂમિમાં સંગીતને નિમિત્તે કવિતા આવી. પણ એને સાહિત્યિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય એવી કક્ષાની એ નહોતી. મૂળ વસ્તુ જોડે ચાલતા ‘કોમિક’ને અનુરૂપ, સ્થૂળ હાસ્યથી ભરેલાં જોડકણાં પણ એમાં આવે, નાયિકાઓ વિરહનો વિલાપ પણ ગીતમાં કરે, કદીક બેતબાજી પણ ચાલે. પણ આ બધું સાહિત્યિક કવિતાના દરબારમાં બિરાજી શકે એવું નહિ. આથી નાટકના કવિ અને નાટકની કવિતાનો જાણે એક જુદો પ્રકાર જ ઉદ્ભવ્યો. એ મોટે ભાગે સંગીતનિર્ભર. એમાં સ્થૂળતા ઘણી, મોટે ભાગે એ નાટકના વસ્તુને અનુસરીને ચાલનારી. એની એક આંખ પ્રેક્ષક પર મંડાયેલી.

જેને સાહિત્યિક નાટક કહી શકાય એવાં ‘કાન્તા’ અને ‘રાઈનો પર્વત’માં સંસ્કૃત નાટકની પરમ્પરાને અનુસરીને કવિતા આવે છે, પણ એ પરમ્પરાનું અનુકરણ છે. સંસ્કૃત નાટકની આબોહવામાં કાવ્યોચ્છ્વાસ ઝાઝો કૃત્રિમ લાગતો નહિ, પણ આ બે નાટકોમાં આવતા શ્લોકોમાંની કવિતા તે નાટ્યવસ્તુના વિકાસ સાથે સર્વથા મજ્જાગત સમ્બન્ધ ધરાવતી હોય એમ લાગતું નથી. એ બહુધા અલંકરણાર્થે વળગાડેલી ટીપકીના જેવી લાગે છે.

પણ એ તબક્કે આપણી નાટ્યવિભાવના હજુ સ્પષ્ટ થતી આવતી હતી. આપણી એક આંખ ‘મૅકબેથ’ અને ‘હૅમ્લેટ’ તરફ હતી. તો બીજી આંખ ‘શાકુન્તલ’ અને ‘ઉત્તરરામચરિત’ તરફ હતી. શુદ્ધ પદ્યનાટકની કલ્પના હજુ ઊગી નહોતી. આજે આપણી નાટકની વિભાવના કંઈક વધુ સ્પષ્ટ બની છે, ને તેથી કવિનો રંગભૂમિ સાથેનો સમ્બન્ધ કે નાટકનો કવિતા જોડેનો સમ્બન્ધ ફરી એક વાર વિચારી જોવાની જરૂર ઊભી થઈ છે.

કવિ રંગભૂમિને કઈ રીતે ઉપકારક નીવડી શકે? આ પ્રશ્નને આપણે અનેક દૃષ્ટિએ વિચારવો પડશે. નાટક નાટક બને એમાં જ એની સાર્થકતા. એ કાવ્યમય નાટક બને એ હંમેશાં ઇષ્ટ ન પણ લેખાય. એક મત એવો છે કે, નાટક એ સાહિત્યનું સૌથી વિશેષર્ મલીબૌપી – પરલક્ષી સ્વરૂપ છે. જ્યારે કવિની પ્રતિભા પરિણતિને પામે છે, ત્યારે એ વધુ ને વધુ પરલક્ષી સ્વરૂપ તરફ વળે છે, ને આખરે નાટક સુધી આવી પહોંચે છે. શૅક્સપિયર આવો કવિ હતો. અંગ્રેજ કવિ એલિયટ પણ એની સર્જનપ્રવૃત્તિના છેલ્લા તબક્કામાં પદ્યનાટક તરફ વળ્યો. આપણા સાહિત્યમાં પણ આજકાલ પદ્યરૂપક, પદ્યનાટક, આ નામો બોલાવા લાગ્યાં છે.

તો આ પદ્યરૂપક કે પદ્યનાટક એ શી વસ્તુ છે? સૌને સ્વીકાર્ય એવી એક વાત તો એ કે, એ સૌ પ્રથમ રૂપક કે નાટક તો હોવું જ જોઈએ; રૂપક કે નાટકનાં જે લક્ષણો હોય, તે એનામાં હોવાં જ જોઈએ. પછી આવે પદ્ય. અહીં એક મહત્ત્વનો વિવેક આપણે કરી લેવાનો રહેશે. આ નાટક પદ્યમાં લખાય છે, પદ્ય એનું વાહન છે. એ અમુક અંશોમાં કાવ્યમય બનેય ખરું. પણ એ સળંગ કાવ્યનાટક છે, એમ સમજવાનું નથી.

સાથે બીજી એક વાત પણ નોંધી લઈએ. કોઈ નાટકનું વસ્તુ કાવ્યમય હોય અને છતાં એ ગદ્યમાં લખાયું હોય એમ પણ બને. રવીન્દ્રનાથ, મેટરલિંક, ચેખોવનાં કેટલાંક નાટકો આના નિદર્શન રૂપ છે. આમ લખવાનું છે તો નાટક, એનું વાહન પદ્ય પણ હોઈ શકે, ગદ્ય પણ હોઈ શકે . આ સમ્બન્ધમાં એક સાદો નિયમ એ છે કે જ્યાં સુધી નાટકનું કામ ગદ્યથી ચાલતું હોય, ત્યાં સુધી પદ્યનો આશ્રય લેવો ન ઘટે. ગદ્યના ઉપર થોડા પદ્યના લપેડા કરીએ કે ક્યાંક ક્યાંક શોભામાં અભિવૃદ્ધિ કરવાને પદ્યનો કે કવિતાનો આશ્રય લઈએ, તો બાવાના બેઉ બગડ્યાવાળો ઘાટ થાય!

નાટકનો પ્રેક્ષક અને કાવ્યનો આસ્વાદ લેનાર સહૃદય રસિક – એ બેનો સરવાળો કરતાં જે વ્યક્તિ આપણને સાંપડે, તે કાવ્યનાટકનો સાચો અધિકારી ભાવક ગણાય. પણ એવો સરવાળો કંઈ થોડો જ કરી શકાય? નાટક જોનારની પ્રથમ અને વાજબી અપેક્ષા, એ જે જુએ છે તે નાટક હોય, એ છે. એમાં આવતી કવિતા નાટકમાંથી જુદી રીતે આવે એવી કવિતા તરીકે પોતાના તરફ ધ્યાન ખેંચે એવી ન હોવી જોઈએ. નાટકમાં એણે પોતાનો નિ:શેષ લોપ સાધ્યો હોવો જોઈએ. કવિતાએ નાટકમાં પ્રવેશતાં આટલી શરત સ્વીકારવાની રહે છે. નાટકમાં યોજાતું પદ્ય એ સાધન છે, સાધ્ય નથી, એનું વિસ્મરણ ન થવું જોઈએ.

તો નાટ્યકારને પદ્યનો ખપ શાથી પડે છે? પદ્ય કદાચ ગદ્ય કરતાં વધુ નમનીય છે, અથવા બીજી રીતે કહીએ તો, લાગણીઓના આવર્તપ્રત્યાવર્તનને, ક્રિયાના કેટલાક આવેગોને, સુરેખ રીતે ઉપસાવી આપવાનું ગદ્યનું ગજું હોતું નથી. આવી પરિસ્થિતિમાં ગદ્ય કંઈક બરડ લાગે છે, એટલું જ નહિ, પણ નાટકમાં આપણા કેટલાક આદિમ આવેગો વચ્ચેના સંઘર્ષનું નિરૂપણ થતું હોય ત્યારે એનો લય પકડવો પદ્યને વિશેષ ફાવે છે. એથી ઊલટું, ઘટનાની આબોહવા ગદ્યને વિશેષ અનુકૂળ હોય, એટલે કે લાગણી કે ઊર્મિ કે ક્રિયા ઉત્કટતાને ન પામ્યાં હોય, ત્યારે ગદ્યને બદલે પદ્યનો આશ્રય લેવાનું ઉચિત ન ગણાય.

શેક્સપિયર જેવો નાટકકાર સવ્યસાચી બનીને ગદ્ય અને પદ્ય બંનેને સમર્થ રીતે પ્રયોજે છે, પણ એમ કરનાર પાસે શેક્સપિયરની નાટ્યસૂઝની અપેક્ષા રહે. શ્રોતાને જાણી કરીને આંચકો આપવો હોય, ગદ્ય જ આંગળી ઝાલીને સ્વાભાવિક રીતે આપણને પદ્યના સીમાડા સુધી પહોંચાડી જતું હોય, ત્યાં પદ્યનો વિનિયોગ ઇષ્ટ લેખાય. આમેય તે આપણાં ભજવાતાં નાટકોનું ગદ્ય વ્યવહારના સ્તરના ગદ્યથી જુદી તરેહનું તો હોય જ છે. એમાં પ્રયોજાતા કાકુઓ, મરોડ, વિરામ, કંઈક જુદા સ્વરૂપનાં હોય છે. એના વિન્યાસની ભંગી પણ જુદી હોય છે.

નાટક જોનાર આટલું અન્તર તો સ્વીકારવાને ટેવાઈ ગયો છે. પણ એનો જ્યારે અતિરેક થાય, ત્યારે એ ‘વધુ પડતું નાટકી છે’ એમ કહીને પોતાનો અણગમો વ્યક્ત કરે છે. આ શ્રોતાને તમે પદ્ય સુધી ખેંચી લઈ જાવ ત્યારે પૂરતી સાભિપ્રાયતા ઉપજાવી આપી હોવી જોઈએ; નહીં તો લય સાથે પોતાનો મેળ બેસાડવાનો પરિશ્રમ જ એને ક્લેશકર નીવડે, ને એ નાટક સુધી પહોંચતાં થાકી જાય.

સળંગ કાવ્યાત્મક નાટક નહિ બને એમ નહિ, પણ સર્જક અને શ્રોતા બંને એકધારી કાવ્યમયતાને સરજી જીરવી શકે કે કેમ, એ પ્રશ્ન રહે છે. સમકાલીન વસ્તુનું નિરૂપણ કરતા નાટક માટે પદ્યનો આશ્રય લેવો હોય, તો દૈનંદિનીય માનવવ્યવહારના સ્તર સુધી પદ્યને ખેંચી લાવવું જોઈએ. પદ્યની નમનીયતા નાટકકારને ખપમાં તો આવશે જ, પણ પછી બધું કાવ્યમય બનાવવાનો દુરાગ્રહ ન રાખવો જોઈએ. જે ઘટના બનતી હોય છે, તેની સાથે સંકળાયેલી ઊમિર્ના સ્તરને કાવ્ય સુધી પરાણે ખેંચી લઈ જવાથી ઘટનામાં કૃત્રિમતા પ્રવેશે, પાત્રોની ઉક્તિમાં કૃત્રિમતા પ્રવેશે અને પરિણામે નાટકને ખમવું પડે.

નાનાલાલનાં નાટકોમાં એકેએક ઘટનાને કાવ્યના સ્તર સુધી ખેંચી જવાનો આવો પ્રયત્ન દેખાય છે. આથી કાર્યવેગ થંભી જાય છે, પાત્રભેદે ભાષાભેદ જળવાતો નથી. માત્ર કવિને અભિમત ભાવનાનું, ઘણી વાર વાગાડમ્બરમાં સરી પડતું, આભાસી કાવ્યરૂપ જ આપણને મળે છે.

બીજી બાજુ ઉમાશંકર કૃત ‘પ્રાચીના’માં નાટકનો એક અંશ, સંવાદનો આશ્રય લેવાયો હોવાથી પદ્યનાટકનો આભાસ ઉત્પન્ન થાય છે. પણ સંવાદથી નાટક બનતું નથી. ‘પ્રાચીના’માં વસ્તુનું વિભાવન નાટક રૂપે નથી થયું, કાવ્ય રૂપે જ થયું છે, ને કાવ્યને આવશ્યક હોય, તો સંવાદનો આશ્રય લઈ શકાય. ‘કાન્ત’નાં પ્રસંગકાવ્યોમાં પાત્રોનો સંવાદ આવતો પણ ખરો. આથી ‘પ્રાચીના’માં કવિનો લાભ નાટકને મળ્યો અને પદ્યનાટક યોજાયું, એમ કદાચ કહી ન શકાય.

પરીકથાની સૃષ્ટિના જેવું વાતાવરણ હોય, સર્જક જાણી કરીને કપોલકલ્પિત વસ્તુને આધારે વાસ્તવિકનું નિરૂપણ કરવા ધારતો હોય, ત્યાં શ્રોતા પાત્રને મુખે ઉચ્ચારાતા પદ્યથી આંચકો નહિ અનુભવે. પાત્રોની જુદી વેશભૂષા, જુદો જ પરિવેશ, એને પોતાના સમયમાંથી ઉપાડીને એક જુદા જ સમયમાં લઈ જાય છે. આથી ત્યાં એ પદ્યની સાભિપ્રાયતા વિશે શંકા ઉઠાવવા પ્રેરાતો નથી.

આપણે ત્યાં સાહિત્યિક નાટક અને રંગભૂમિ વચ્ચેનું અન્તર હજી ટાળવાનું બાકી છે. આથી કવિ રંગભૂમિથી ખાસ્સો દૂર છે. સાચું પદ્યનાટક સરજાવાને હજી વાર છે. પદ્યનાટક લખનારને નાટકનો ભોગ આપ્યા વિના પદ્યનો સાર્થક માધ્યમ તરીકે વિનિયોગ કરવાનો રહેશે ને એમ કરતાં કાવ્યનું નિર્માણ કરવાના પ્રલોભનમાંથી મુક્ત રહેવું પડશે.