કિન્નરી ૧૯૫૦/બીજ

બીજ

તાકી તાકી
જોઈ છે રે મેં બીજને બાંકી!

થાકી પૂનમરાતે,
થાકી જે સૌ તારલાભાતે,
આંખ એવી એક અહીં ના થાકી!

એણે આભઝરૂખે,
સુંદરતા જે પ્રગટી મુખે,
એથીય તો કૈં ઉરમાં ઢાંકી!

આવી રૂપની પ્યાલી,
જોતાં જ જેને પ્રગટી લાલી,
પાય છે મને કોણ રે સાકી?

મારે ઉર જે કવિ,
એણે રે આ ક્ષણની છવિ,
હળવે હાથે મનમાં આંકી!

૧૯૪૯