કિન્નરી ૧૯૫૦/શીદ કંપે?

શીદ કંપે?

‘આવડું તે શીદ કંપે? રે પોયણી, આવડું તે શીદ કંપે?’
‘તારોયે જીવ ના જંપે! રે ચંપા, તારોયે જીવ ના જંપે!’
‘તું તે શું જાણે પ્રીત, રે ચંપા, તું તે શું જાણે પ્રીત!
ભમરો ગુંજે ગીત, રે ચંપા, ભમરો ગુંજે ગીત!
લળી લળીને લજવે રે, મને લળી લળીને લજવે;
મુખથી દેતો ડંખ રે, આછો મુખથી દેતો ડંખ,
વીંજણે ઢાળે પંખ રે, પાછો વીંજણે ઢાળે પંખ;
વળી વળીને પજવે રે, મને વળી વળીને પજવે!
સુખની સોડમાં સૂએ, રે ચંપા, સુખની સોડમાં સૂએ!
તોય તું શીદને રુએ? રે ચંપા, તોય તું શીદને રુએ?!’
‘તું તે શું જાણે પ્રીત, રે પોયણી, તું તે શું જાણે પ્રીત!
ભમરો ભૂલે ભીંત, રે પોયણી, ભમરો ભૂલે ભીંત!
મારે તે રૂપરંગવાસ રે, અંગમાં મારે તે રૂપરંગવાસ,
સૌની કને ભરમાય રે, ભમરો સૌની કને ભરમાય;
મારી કને શરમાય રે, ભમરો મારી કને શરમાય,
ના’વે રે મારી પાસ રે, રંગમાં ના’વે રે મારી પાસ!
તારી તે સોડમાં સંપે, રે પોયણી, તારી તે સોડમાં સંપે,
તોય તું આવડું કંપે, રે પોયણી, તોય તું આવડું કંપે?!’

૧૯૪૭