કિન્નરી ૧૯૫૦/સાંજની વેળાનો વાગે સૂર

સાંજની વેળાનો વાગે સૂર

સાંજની વેળાનો વાગે સૂર,
આથમણું આભ જાણે ઉઘાડે છે ઉર!
સિન્દૂરિયા રંગની તે લાગણી લ્હેરાય,
સૂરની સુગંધ જાણે વાયરે વેરાય,
વિહંગને તાલે ગેબ ગુંજતું ઘેરાય,
સૂની સૂની સીમાઓનાં નાચે છે નૂપુર!
જુગની જુદાઈ જોતજોતાં ગળી જાય,
જેની રે સંગાથે મારી છાયા ભળી જાય,
આભમાંથી એવો અંધકાર ઢળી જાય,
કોનો તે આ પડછાયો દૂર રે ઓ દૂર?
સાંજની વેળાનો વાગે સૂર!

૧૯૪૯