કિન્નરી ૧૯૫૦/સોણલું

સોણલું

મારી પાંપણને પલકારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
મારા અંતરને અણસારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
ઝીણી ઝબૂકતી વીજલ શી પાંખે,
આઘેરા આભલાના વાદળ શી ઝાંખે,
નીંદરમાં પોઢેલી અધખૂલી આંખે,
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
પાંપણને પરદેથી આછેરું પલકે,
મનનું કો માનવી રે મધમીઠું મલકે,
મટકું મારું ત્યાં આભ અંધારાં છલકે!
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
સપનોના સોબતી, તું ર્હેજે મનમ્હેલમાં!
અંતર, તું આંખોમાં આવીને ખેલ માં!
ઓ સોણલા, તું વેદનાને પાછી તે ઠેલ માં!
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
મારા અંતરને અણસારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
મારી પાંપણને પલકારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.

૧૯૪૩