કિરીટ દૂધાતની વાર્તાઓ/કિરીટ દૂધાતની વાર્તાઓ

કિરીટ દૂધાતની વાર્તાઓ

૧૯૮૦ના વર્ષના કોઈક દિવસે જૂના સચિવાલયની કેન્ટિનમાં લંચ લેતી અમારી સાહિત્યપ્રેમી મંડળીમાં એક આકર્ષક વ્યક્તિત્વવાળા અજાણ્યા યુવાને પોતાની ઓળખ આપતાં કહ્યું, ‘મને પણ સાહિત્યમાં ઊંડો રસ છે.’ એ પહેલા પરિચય પછી મારી સાથે એનો તાર સંધાયો. એકવાર એના ઘેર નાનકડા, ખુલ્લા ખાનામાં ગણી શકાય એટલાં પુસ્તકો જોયા, એમાં એણે વીસ વર્ષની વયે વસાવેલું સાર્ત્રનું ‘બીઈંગ ઍન્ડ નથિંગનેસ’ જોઈને સુખદ આશ્ચર્ય થયું. પછી તો એની સાથેની વાતોમાં ગુજરાતી, હિન્દી સાહિત્યકારો સાથે વિશ્વસર્જકોના લોકમાં પણ આંટો મરાવતો. હજુ વાર્તાકાર થવાને ચાર વર્ષ બાકી હતાં, પણ જગ-વાર્તાઓમાં સેલારા મારતો. મને થયું આ માણસ સજાગ લેખક થશે. પછી તો એની, એટલે કે, કિરીટ દૂધાતની વાર્તાઓ વાંચતાં પ્રતિતી થઈ કે, આપણી ભાષાના આત્મમુગ્ધ લેખકોમાં એની વિદ્વત્તાથી એ જુદો પડતો હતો. ગાંધીનગર, સરકારી નગરમાં સાહિત્યપ્રીતિથી જોડાયેલા મંડળ ‘બૃહસ્પતિ સભા’માં કિરીટે ૧૯૮૪માં એની પહેલી વાર્તા ‘બાપાની પીંપર’ વાંચી. ત્યાં વાંચતાં પહેલાં મને અને હર્ષદ ત્રિવેદીને સંભળાવી હતી. અમે બંનેએ રાજી થઈને એને હિંમત આપી, બૃહસ્પતિ સભામાં વંચાયેલી એની એ વાર્તા, એમના સટીક વિવેચનથી હરિકૃષ્ણ પાઠકે અને સહુએ આંતરસૂઝથી વખાણી. ચાર દાયકાના વાર્તાલેખનમાં રોકડી પચ્ચીસ વાર્તાઓ લખનાર ઓછું લખે છે, પણ નબળું નહિ. તેથી જ મેં શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કર્યા પછી, ન લીધેલી વાર્તાઓ ડોકિયાં કરતી રહી છે. અત્યારસુધી એમના બે વાર્તાસંગ્રહ ‘બાપાની પીંપર’ (૧૯૯૮, નવભારત સાહિત્ય મંદિર) અને ‘આમ થાકી જવું’ (૨૦૦૮, ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.) પ્રગટ થયા છે. એમના સમયના વાર્તાકારોમાં પ્રમુખ વાર્તાકારો સાથે એમનું નામ લેવાતું રહ્યું છે. કિરીટ દૂધાત એમના પૂર્વકાલીન અને સમકાલીનોથી જુદા પડે છે. ગ્રામપ્રદેશના અનુભવ, સંવેદનને વાર્તારૂપ આપે છે, પણ એમને પ્રકૃતિનું કે નોસ્ટાલ્જિયાનું વળગણ નથી. એમનો મુખ્ય રસ માનવમનને તાગવાનો છે. આરંભની ઘણી વાર્તાઓ કિશોર કથક કાળુને મુખે, પ્રથમ પુરુષ એકવચન કથનરીતિથી કહેવાઈ છે, પણ એકવિધતા નથી. કારણ, દરેક વાર્તાની રચનારીતિ અને વાતાવરણ જુદાં છે. વળી, પ્રેમ, ભય, કુતૂહલ અને મૃત્યુનો મુકાબલો કરતા કિશોર મનનાં પડ ઉકેલ્યાં છે. સ્ત્રીઓનાં વેદન છે તો, ગામમાં, સમાજમાં એકલાં પડી ગયેલાં શોષિત, પીડિત પણ છે. પ્રેમનો મહિમા પણ એમને મન ઓછો નથી. એમના સમયને અનુરૂપ ‘સમાજ કો બદલ ડાલો’નો મંદ સૂર નથી, પણ એમનો કૅમેરા ગ્રામ અને શહેરી સમાજ ભણી એક સરખા ફોક્સે મંડાયેલો છે. તેથી જ ધર્મ, રીતિ-રિવાજનું સમર્થન કે વિરોધને બદલે કથનરીતિમાં એનો કલાત્મક વિનિયોગ કરી જાણ્યો છે. દોસ્તોયવ્સ્કીની જેમ એમણે પણ લોકોની શ્રદ્ધા ડગાવવાને બદલે, આવા પ્રસંગોએ માનવતા ક્યાં કસોટીએ ચડે છે એ તપાસવામાં રસ લીધો છે. હાસ્યની પડછે કરુણ એ એમનો વિશેષભાવ છે. કથક કે, એ પોતે લાગણીવેડામાં સરી પડતા નથી, એ તો બસ સાક્ષીભાવે તાકી રહે છે. વધારે તારણોને બદલે વાર્તાઓને જ બોલવા દઉં. સફળ પ્રેમનાં ગાણાં ગમે તેટલાં ગાઈએ, પણ અધૂરા પ્રેમની કથાઓ જ સહુને, સદીઓથી આકર્ષતી રહી છે, તેમ એમને પણ. તેથી તો મેં પસંદ કરેલી બાર વાર્તાઓમાં પાંચ વાર્તાઓ આવા કથાનકની છે. ડચૂરો : કિશોરવયે થયેલું સ્ત્રીનું આકર્ષણ વાર્તા વિષય છે. અહીં દેહ, શરીર નહિ પણ સુગંધનું, સહવાસનું સખ્ય એક નિર્દોષ કિશોરને એક જુદી જ દુનિયામાં મૂકી દે છે. સાંકડ-માંકડ રસોડામાં દબાઈને બેઠેલો, કથાનાયક કાળુ રોટલાના ભીના લોટની, રોટલો શેકાવાની વચ્ચે પેલી સુગંધ (પ્રભાભાભીની) ફોરી ઉઠતી અનુભવતો ભાભીની ફોરી ઉઠતી સુગંધમાં ઘેનીલ કાળુ, એમનું મૃત્યુ સહન નથી કરી શકતો એના કરુણની વાર્તા છે. માંગડાવાળાની લોકકથા પ્રભાભાભીના અસાર સંસારની વિવશતાને ઘૂંટે છે, અને એમ અવસાદ ઘેરાય છે. તો બીજા એક દૃષ્ટિકોણથી મૃત્યુનો આઘાત કુમળા મનને કેવો આઘાત પહોંચાડે છે. એની અન્ય વાર્તા ‘વીંટી’નો ઉલ્લેખ કરવો જોઈએ. આ પ્રેમની વાર્તા નથી, પણ મૃત્યુ સંદર્ભે ‘ડચૂરો’ની સગોત્ર છે. આ વાર્તામાં પણ આરંભમાં ઘરમાં ચાલતી ધમાલ જોતો કાળુ, મામાની ખબર જોવા જવા વેન કરે છે. દવાખાને જાય છે ત્યાં સુધી એનું વિસ્મય ટકી રહે છે. પણ જેવો દવાખાને જઈ, ધીમા મોત તરફ ઘસડાતાં જતાં મામાને જુએ છે, ને એનો વિસ્મય ભયમાં બદલાય છે. કુમળું મન આઘાત પામે છે, આખું શરીર હલબલી ઊઠે છે. અંતે ઉલટી કરે છે ત્યારે એનો ભય બહાર આવે છે. ભય સુધી પહોંચતા આ પરિવર્તનની ઝીણીઝીણી વિગતો, સંવાદનું હાસ્ય અને પૃષ્ઠભૂમાં રહેલો કરુણ, આસ્વાદક છે. ‘લીલ’ : કિરીટ દૂધાતે વિફળ પ્રેમની કથા વિવિધરૂપે કહી છે, તેમાં આ વાર્તા અવિસ્મરણીય છે. સ્કૂલમાં થયેલો પ્રેમ લગ્નમાં ન પરિણમતાં નાયિકા બીજે પરણી છે. એ ગર્ભવતી છે. સામે બારણે રહેતા, એક સમયના પ્રેમીનું અવસાન થતાં એનાં ‘લીલ’ પરણાવવાની વિધિ ચાલે છે, જેથી એનો વાસનામોક્ષ થાય. વિધિ અને નાયિકાના મનમાં પ્રેમની સુખદ ક્ષણો સમાનાન્તરે ચાલે છે. વિધિમાં હાજર કોઈમાં કાળુનો આત્મા નથી પ્રવેશતો. લીલ પહોંચ્યાં હશે એમ માની સહુ છૂટાં પડે છે. આમ વિધિનું સમર્થન નથી થતું. અંતે નાયિકાના પેટમાં ફરકાટ થાય છે ત્યારે એના મનમાં સતત રહેલો કાળુ શરીરમાં પણ પ્રવેશતાં, હવે પિંડદાનનો સાચો વારસ પોતાના પેટમાં પહેલીવાર ફરક્યો એનો સંતોષ અનુભવે છે. આમ રિવાજનો કલાત્મક વિનિયોગ થાય છે. હાજર રહેલાં કોઈમાં નહિ, ને નાયિકાના પેટમાં આત્મા ફરકે છે એ એમના પ્રેમને ફળદાયી બનાવતાં, આ વાર્તા પ્રથમ નજરે લાગે છે એમ વિફળ પ્રેમની નથી રહેતી. ‘આમ થાકી જવું’ : બંને પ્રેમીને ન સ્વીકારનાર આસપાસનું જગત, એની અણગમતી જુદી જુદી ગંધ, પરિપૂર્ણ ન થઈ શકનાર પ્રેમનો અવસાદ, પાર્થિવતામાં રહેવું ગમતું નથી અને અપાર્થિવતા મળવાની નથી, એવાં બે પ્રેમીઓ પૈકીના પુરુષનું, આ હોપલેસ જિંદગીનો ભાર વેંઢારતાં થાકી જવાની વાત છે. અહીં પત્ની માટે અભાવ નથી, પણ લગ્નેતર નવો પ્રેમ એને દિવ્ય અનુભવ કરાવે છે, અને છેવટનો અવસાદ, આસપાસ દેખાતી વસ્તુઓમાં પડઘાતો જુએ છે, તેથી એના અને નેહાના જરૂર પૂરતા સંવાદો મૂકી, આસપાસની સૃષ્ટિના બળે પોતાના અનુભવની તીવ્રતા દર્શાવી છે. ‘આવવું અને જવું’ : સમયથી પહેલાં વૃદ્ધ થતો પ્રેમ વિસ્મૃત નથી થતો, વાર્તામાં મૈત્રી અને પ્રેમ સમાનાન્તરે ચાલે છે. મૈત્રીમાં અન્ય વ્યવધાનો છતાં એનો પ્રવાહ વહેતો રહે છે, જ્યારે અધૂરા રહી ગયેલા પ્રેમને એ નસીબ નથી. કિશોર વયનો પ્રેમ આંતરચક્ષુ સમક્ષ થીજાવી દેવા માગતા નાયકનો સંઘર્ષ આ વાર્તામાં થીજાવી દીધો છે, વૃદ્ધ નથી થવા દેવાયો. વાસ્તવનું વાસ્તવ જાણે. ‘ભાય’ : ઓછું બુદ્ધિચાતુર્ય અને શારીરિક અક્ષમતાને કારણે કુટુંબનાં સહુ, જેની જીવનનૈયાનો એ સુકાની હતો એ પત્ની પણ એને નગણ્ય ગણે છે, તે ભોળાનું કરુણ ચિત્ર વાર્તાના કેન્દ્રમાં છે. કુટુંબનો ડોમિનન્ટ વડો તો એનું માનવીય સુખ પણ ખૂંચવી લે છે. વાર્તામાં કથાનાયકના નિમાણાપણાની વાત સમ્યકપણે રજૂઆત પામી છે. વાર્તાનો નાયક બધા પ્રસંગોમાં હાજર છે પરંતુ સર્જક – કથાના એસ્થેટિક ડિસ્ટન્સને જાળવીને સંપૂર્ણ કરુણા છતાં ક્યાંય લાગણીવેડામાં સરી નથી પડતો કે નથી બનતો પક્ષીલ. જોકે, આખી વાર્તામાં ભોળો જ્યારે એની વિતકકથા કહે છે ત્યારે કાન દેતો કાળુ કશું બોલતો નથી. પરંતુ ભોળો જાય પછી ટ્રેનમાં બેઠેલો કાળુ, ગામમાં પ્રવેશતા ભોળાનું મનમાં ચિત્ર દોરે છે, ત્યાં કથકને પણ ભોળાની વેદના સ્પર્શે છે. પણ ત્યારે લા. ઠા. કહે છે તેમ ‘અદૃશ્ય અને અશબ્દ સર્જકદૃષ્ટિ કથક કાળુની ભાવદૃષ્ટિથી ભોળાને જુએ છે એટલું જ નહિ, તે નિરુપાય કથક કાળુને પણ કરુણાથી જોઈ રહી છે.’ ‘બાયુ’ : બહુ પોંખાયેલી અને ચર્ચાયેલી આ વાર્તા પુરુષોના વર્ચસવાળા સમાજની કન્યાને એનું ગૌરવ હણાય તે રીતે એનો થનાર પતિ, સાથળ પર કોઢના ડાઘ છે કે નહિ એની તપાસ કરાવવા બોલાવે છે. દવાખાને લઈ જાય છે. વિવશ સ્ત્રીઓની નજર નીચે આ બધો ખેલ પૂરો તો થાય છે. પરંતુ અંતે ચંચળમાની રાડ, ‘તમારી માના ધણીઓ...માં કુટુંબના પુરુષોને માના ધની હોવું એવી ગાળ આપવા સુધી જાય છે. તમારા બેય કુલે ડામ દેવા જોઈ...’ કહી ચૂલામાંથી બળતું કાઢીને દીવાલ પર પછાડે છે, તે ક્ષણ ઉઘાડની ક્ષણ બને છે. આ પ્રેરક અંત, પરિવર્તનની શક્યતા અને અત્યાર સુધી મૂંગી રહેલી સ્ત્રીઓમાં પ્રાણ પૂરે છે. ‘એક બપોરે’ : ગામડાનો એક સંઘર્ષરત વ્યક્તિ કુદરત દીધી, સ્વોપાર્જિત આર્થિક બેહાલીને કારણે ઉછીના લીધેલા પૈસા પાછા નથી આપી શકતો ત્યારે બલિષ્ઠ, સંપન્ન સમાજની એક વ્યક્તિ આ ગ્રામજનને ધૃણિત કરે છે. એ બનાવનો સાક્ષી થનાર નિર્દોષ, કુમળું બાળક કેવું આઘાત પામે છે, એના ગાઢા કરુણની વાર્તા છે. આ ઘટનાથી ભયભીત થઈ, એક સમયે લાંબી ધાર કરી, દીવાલના પોપડા પાડતા કિશોરની આ કુદરતી ક્રિયા જ અટકી જાય એ કેવી સ્થિતિ? આપણી સમાજવ્યવસ્થા એવી કેવી કે, જે એક નિર્ધન માણસનું હીર અને ગૌરવ હણી લે, ને બાળકના મનમાં સંપત્તિ વિશે કુંઠા ઊભી કરે? વાસ્તવના આ કરુણને, આ કે તે મતને પડકાર્યા વિના કલાત્મક રીતે રજૂ કરવામાં લેખક સફળ થયા છે. ‘આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હોં...’ : આ વાર્તા વિષે લાભશંકર ઠાકર અને અજય સરવૈયાએ સરસ વિવેચન કર્યું છે તેમાંથી કેટલાંક તારણો મૂકું છું. સમધારણાવાળા સવજીઆતાને એમની આર્થિક દશાનું દુઃખ નથી. એમને અને કુટુંબની બે પેઢીઓને ક્યાંય પહોંચવું જ નથી. વળી, આતા કર્મઠ છે તેથી કામ કરવામાં જ સુખ અને આનંદ મેળવે છે. વધારે પૈસાવાળા વધારે દુઃખી હોય એમ એ માને છે. તેથી જ અધિકારી થયેલો કાળુ, લાભદાયી સરકારી યોજના ચીંધે છે ત્યારે, ‘આમ આપડે ક્યાં દુઃખી છૈએ, હેં?’ કહી આત્મસંતોષ વ્યક્ત કરે છે. આ વાર્તા સુખ, પ્રગતિ, વિકાસ વિશેની આપણી માન્યતાઓને પડકારે છે. આ વાર્તાનું કુટુંબ વિકાસમાં સુખ નથી શોધતું પણ હોવામાં સંતુષ્ટ છે. આ વાર્તાકાર જાગતા છે. એમની ચેતના કુંવારી નથી એની સાહેદી આ વાર્તા આપે છે. ગ્રામચેતનાના એમને અનુકૂળ લોકમાંથી અન્યલોક, પૃથક્‌લોકની વાર્તાઓ ભણી વળ્યા છે. કિરીટ દૂધાતની આ વાર્તાથી ગુજરાતી સાહિત્યનું એક નવું પ્રકરણ શરૂ થાય છે. ‘એમ તો નો જ થવા દેવાય’ : આ વાર્તા અંગે અજય સરવૈયાની નોંધ અનુસાર, શાળામાં ભણતા કિશોર કાળુના કથનકેન્દ્રથી કહેવાઈ છે. વાર્તાનો નાયક રમેશ/રમલો ધંધો શીખી પગભર થવા માંગે છે, પણ એના ગામનો સમાજ એને ટેકો નથી આપતો. ઉલટું રમેશે ગામ છોડવું પડે છે. કથાનાયક રમેશ પિતા અને સંપત્તિ વિનાનો હોવાથી ગ્રામ-સમુદાયનો નબળો સદસ્ય છે. જો એણે કોઈ પણ વિરોધ વિના કે, ધંધો શીખવાની અપેક્ષા રાખ્યા વિના, ગ્રામજનોની દુકાને કામ કર્યુ હોત તો કદાચ ગ્રામજનોએ એને ‘આપણે’માં સામેલ કર્યો હોત. એ નબળો કે બાપડો બિચારો બની રહેવાને બદલે ગ્રામજનોની સત્તાને તાબે નથી થતો એટલે એને ગામમાંથી કાઢી મૂકાય છે. ગ્રામસમુદાય સાથે મળીને એક વ્યક્તિને (displace) ગામવટો આપે છે. સમુદાય કે સમાજ વ્યવસ્થા (order) સ્થાપિત કરવા એક વ્યક્તિને વ્યવસ્થા (system)ની બહાર ફેંકી દે છે. આ વિરોધાભાસનું આલેખન એ વાર્તાની સિદ્ધિ છે. રોજિંદા જીવનમાં રસાયેલી સૂક્ષ્મ હિંસા વાર્તાકાર જોઈ શક્યા છે. આ વાર્તાનો વિશેષ એ છે કે, અત્યારે ચલણમાં છે એમ ‘અન્ય’ને બીજા વર્ણ, ધર્મ કે genderના ખાનામાં નથી ખતવતા. ‘કૂતરાં’ : માર્ક્વેઝે લખ્યું છે કે વાર્તાનું પહેલું વાક્ય બરાબર ન ગોઠવાય ત્યાં સુધી એ વાર્તા લખવી શરૂ ન કરે. આ વાર્તામાં વાર્તાકારને પહેલું વાક્ય જડી ગયું છે. ‘મને હમણાંથી લાગ્યા કરે છે કૂતરાં અંગે સમગ્રપણે વિચાર કરવો જોઈએ.’ આ પ્રથમ વાક્યનો કાકુ સમગ્ર વાર્તામાં, છેલ્લા વાક્ય સુધી પડઘાયા કરે છે. વાત જાણીતી છે, શહેરના વિકાસમાં ખેડૂતોની જમીનો ઓહીયાં થતી જાય છે. ખેડૂત બેહાલ થાય છે, માલિક ગુલામ બને છે, અને આ વાર્તાની જેમ ઝેર પણ પી લે છે. પણ એ વાતને ‘કૂતરાં’ના રૂપકથી વળ ચડ્યો છે. તીવ્રતા મળી છે. ખેડૂત અને ગામનાં કૂતરાં, આલસેશ્યન અને ખેડૂતની જમીન પર ઇમારતો તાણી બાંધનારા, એક જોરાવર, બીજો લડવા અક્ષમ, એકનો ઝળહળતો વિજય બીજાનું ડેડ થઈને પડી જવું, એમ સમાંતરે વિકાસ અને વિનાશ ચાલ્યા કરે છે. એનો અંત ક્યારે? એ તો લેખકને પણ નથી ખબર. ‘ઘર’ : આર્થિક બેહાલીના કારણે સ્ત્રીનું શારીરિક શોષણના જાણીતા નેરેટિવ ને જુદી રીતે મુકીને વાર્તાને નવતર કરી છે. એનો જ પતિ જુદા જુદા પુરુષોનો કોન્ટેક્ટ કરાવે અને એની પત્ની દેહ વેચે. દેહ વેચતી આ સ્ત્રીને ‘ઘર’નો વિચાર આવે છે. આ ઘર physical નહિ, પણ માનસિક સ્તરે. એ પોતે ઠરીને ઘેર રહી શકતી નથી, મારાજ (એનો પતિ) ટીફીન લઈને જતો રહે છે. તોય એને ઘર જોઈએ છે, એ વક્રોક્તિ છે. સરકાર તરફથી ઘર આપવા માટે નોંધણીવાળો આવે છે, એના રેકોર્ડમાં તો ભાડૂઆાત તરીકે પણ એમનો ઉલ્લેખ નથી. આમ આર્થિક સ્થિતિ માત્ર શારીરિક શોષણ પૂરતી માર્યાદિત ન રહેતાં, સુખી થવા માગતા એક કુટુંબને ‘ઘર’નો આશરો ન મળે, અને non- existant બનાવી દે છે, એ કરુણ વિસંગતી નહીં તો બીજું શું? આમ ઘર ઝંખતી એ, તે દિવસે કોઈ પુરુષ સાથે રોકાયેલી નથી. બંનેને મન છે. સંભોગ કરે છે. મારાજને તો બહારની દુનિયામાં ઠરવા જેવું લાગતું નથી. એ જ્યાંથી આવ્યો છે ત્યાં પ્રવેશી જવા અસહ્ય બળ કરે છે એવું એક લસરકામાં થયેલું વર્ણન વાચકને સ્તબ્ધ કરી દે છે. છેલ્લે ચત્તી પડેલી નાયિકા મોભારે, હમણાં તૂટી જશે એમ હલ્યા કરતા કરોળિયાના જાળાને આંસુથી ભીંજવી આંખો મીંચીને અને એમ ખુદના ઘરના સપનાને આંખો બંધ કરીને બચાવી લેવાનો કરુણ પ્રયત્ન કરે છે. તો આ વાર્તા જાણીતા કથાઘટકને નવો આયામ, ખાસ કરીને દેહનો વ્યાપાર કરતી પત્નીના પતિ તરીકે મારાજનું પાત્ર ઉપસાવવાનું અઘરું હતું, તે સિદ્ધ કરે છે તેથી રસપ્રદ થઈ છે. અંતે, કિરીટ દૂધાત યાદગાર વાર્તાઓ તો આપતા રહ્યા છે, પણ શુભેચ્છા આપીએ કે શ્રેષ્ઠ વાર્તાઓનો ત્રીજો સંગ્રહ પ્રગટ કરીએ એટલી નવી વાર્તાઓ રચે.