કુરબાનીની કથાઓ/નકલી કિલ્લો

નકલી કિલ્લો

‘બસ! બુંદીકોટનો કિલ્લો જ્યાં સુધી હું જમીંદોસ્ત ન કરું ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે.' એવી આકરી પ્રતિજ્ઞા એક દિવસે ચિતોડના રાણાએ ભરસભામાં કરી લીધી. પ્રધાનજી બોલ્યા: ‘અરે, અરે, મહારાજ! આ તે કેવી પ્રતિજ્ઞા તમે લીધી? બુંદીકોટનો નાશ શું સહેલો છે?' રાણાજી કહે: “તો પછી મારી પ્રતિજ્ઞાનું પાલન તે સહેલું છે જ ને! રાજપુત્રનું પણ તો જીવ જતા સુધી મથ્યા ન થાય.' રાણાજીને ઘડીભરનું તો શૂરાતન આવી ગયું ને સોગંદ લેવાઈ ગયા, પણ ધીમે ધીમે ભૂખતરસથી પેટની પાંસળીઓ તૂટવા લાગી. રાણાજી પ્રધાનને પૂછે છે: ‘પ્રધાનજી! બુંદીનો કિલ્લો અાંહીંથી કેટલો દૂર?' ‘મહારાજ! ત્રણ જોજન દૂર.' ‘એ કિલ્લાના રક્ષક કોણ?' ‘શૂરવીર હાડા રજપૂતો.' ‘હાડા?' મહારાજનું મોં ફાટ્યું રહ્યું. ‘જી, પ્રભુ! ચિતેડાધિપતિને એનો ક્યાં અનુભવ નથી? ખાડા ખસે, મહારાજ, પણ હાડા નહિ ખસે.' ‘ત્યારે હવે શું કરવું?' રાણાજીને ફિકર થવા લાગી. મંત્રીના મગજમાં યુક્તિ સૂઝી. એણે કહ્યું: ‘મહારાજ, આપણે તો ગમે તેમ કરીને સોગંદ પાળવા છે ને? આજ રાતોરાત માણસો રોકીને હું આપણા ગામ બહાર બુંદીનો નકલી કિલ્લો ખડો, કરી દઉં. પછી આપ આવીને એને પાડી નાખો. એટલે ઉપવાસ છૂટી જશે. રાણા છાતી ઠોકીને બેલ્યા: ‘શાબાશ! બરાબર છે!' રાતોરાત કામ ચાલ્યું. પ્રભાતે તે બુંદીનો નકલી કિલ્લો તૈયાર થયો. રાણાજી સૈન્ય લઈને કિલ્લો સર કરવા ઉપડયા. પરંતુ રાણાજીની હજૂરમાં એક હાડો રજપૂત નોકરી કરતો હતો. એનું નામ કુંભો. જગલમાં મૃગયા કરીને એ યોદ્ધો ચાલ્યો આવતો હતો. શરીર ઉપર ધનુષ્ય-બાણ લટકાવેલાં. કોઈએ એને કહ્યું કે ‘બુંદીનો આ નકલી કિલ્લો બનાવીને રાણાજી કિલ્લો તોડવા જાય છે.' હાડો ભ્રુકુટિ ચડાવીને બેલ્યો કે ‘શું! હું જીવતાં રાણો બુંદીનો નકલી કિલ્લો તેડવા જાશે? હાડાની કીર્તિને કલંક લાગશે?' ‘પણ ભાઈ, એ તો નકલી કિલ્લો!' ‘એટલે શું? બુંદીના કિલ્લાને નામે રમતો રમી શકાય કે?' ત્યાં તો રાણાજી સેનાને લઈને આવી પહોંચ્યા. કુંભાજી એ નકલી કિલ્લાને દરવાજે જઈને ખડો થયો. ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું, દૂરથી રાણાને આવતા દેખીને હાડો ગરજી ઊઠ્યો: ‘ખબરદાર રાણા! એટલે ઊભા રહેજો. હાડો બેઠો હોય ત્યાં સુધી બુંદીને નામે રમત રમાય નહિ, તે પહેલાં તો હાડાની ભુજાઓ સાથે રમવું પડશે.' રાણાએ કુંભાજી ઉપર આખી સેના છોડી મૂકી. ભોંય પર ઘૂંટણભર થઈને કુંભે ધનુષ્ય ખેંચ્યું. ધનુષ્યમાંથી બાણુ છૂટતાં જાય તેમ સેનાના યોદ્ધાઓ એક પછી એક પડતા જાય. કુંભોજી કુંડાળું ફરતો ફરતો યુદ્ધ કરે છે, આખું સૈન્ય એના ઉપર તૂટી પડે છે. આખરે વીર કુંભે પડ્યો. નકલી કિલ્લાના સિંહદ્વારની અંદર, એના પ્રાણ રહ્યા ત્યાં સુધી કોઈ પેસી શકયું નહિ. એના લેહીથી નકલી બુંદીગઢ પણ પવિત્ર બન્યો.