કુરબાનીની કથાઓ/સાચો બ્રાહ્મણ

From Ekatra Wiki
Revision as of 06:12, 6 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાચો બ્રાહ્મણ|}} {{Poem2Open}} સરસ્વતી નદીના કિનારા ઉપર એક દિવસ સાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સાચો બ્રાહ્મણ

સરસ્વતી નદીના કિનારા ઉપર એક દિવસ સાંજ પડતી હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો. જંગલમાં છાણાંલાકડાં લેવા ને ફળફૂલ વીણવા ગયેલ બટુકો પાછા આવી પહોંચ્યા છે. તપોવનની ગાયો ચરીને આશ્રમે આવી છે. કિલકિલાટ કરતા બ્રહ્મચારીઓ નહાઈધોઈને ઋષિજીની આસપાસ પોતપોતાનાં આસન પાથરી ટપોટપ બેસી ગયા છે. વચમાં હોમનો અગ્નિ પ્રગટાવેલો છે. અનંત આકાશમાં પણ એ સાંજને ટાણે, કોઈ શાંત મહર્ષિની આસપાસ, નાના નાના સુકુમાર તારાઓની મંડળી, શિષ્યમંડળીની માફક ચુપચાપ કેમ જાણે હવન કરવા બેસી ગઈ હોય તેવો દેખાવ થયો છે. હોમાગ્નિમાં ઘી હોમાતું ગયું તેમ અગ્નિની જ્વાલાઓ તપોવનની ઉપર ઝબૂકી ઊઠી. અરણ્યમાં આઘે આઘે – કેટલે આઘે એ જ્યોતિનાં દર્શન કરીને વટેમાર્ગુઓ ચાલતાં હતાં. એવે સમયે આશ્રમને બારણે આવીને એક બાળક લપાતો લપાતો ઊભો રહ્યો. નાના નાના હાથની ગુલાબી હથેળીઓની અંદર અર્ધ્ય લીધેલું છે. પાસે આવીને એ બટુકે ઋષિજીને ચરણે હાથમાંનાં ફળફૂલ ધરી દીધાં. બહુ જ ભક્તિભર્યા પ્રમાણ કર્યા. ઋષિએ એ નવા અતિથિની સામે સ્નેહમય નજર કરી. કોકિલકંઠે બાળક બોલ્યો: ‘ગુરૂદેવ! મારું નામ સત્યકામ: મારું ગામ કુશક્ષેત્ર: મારી માએ મને બ્રહ્મવિદ્યા શીખવા મોકલ્યો છે.' હસીને બ્રહ્મર્ષિ મીઠી વાણીમાં બોલ્યા: ‘કલ્યાણ થાઓ તારું, હે સૌમ્ય! તારું ગોત્ર કયું બેટા? તને ખબર નહિ હોય કે બ્રહ્મવિદ્યા તો માત્ર બ્રાહ્મણના બાળકને જ શિખવાય.' ધીરે સ્વરે બાળકે કહ્યું: ‘મારા ગોત્રની તો મને ખબર નથી, મહારાજ! હું મારી માને જઈને પૂછી આવું? પૂછીને તરત જ પાછો આવીશ.' આતુર બાળક એટલું કહીને ગુરૂને નમન કરી ચાલી નીકળ્યો, સાંજે જ ચાલી નીકળ્યો. અંધારામાં એકલો જ ચાલ્યો, જંગલ વીંધીને ગયો. વનનાં પશુઓની ત્રાડો એને થરથરાવી ન શકી. આશ્રમમાં જઈને ભણવાની એની બડી આતુરતા હતી. નદીને કિનારે ગામ હતું. ગામને છેડે પોતાની માનું ઝૂંપડું હતું ત્યાં બાળક પહોંચ્યો. ઘરમાં ઝાંખો દીવે બળે છે, ને એની મા જબાલા બારણામાં ઊભી ઊભી દીકરાની વાટ જુવે છે. પુત્રને છાતી સાથે ચાંપીને માએ પૂછ્યું: ‘ઋષિએ શું કહ્યું, બેટા!' સત્યકામ કહે: ‘માડી! ઋષિજી તો પૂછે છે કે તારું ગોત્ર કયું? બ્રહ્મવિદ્યા તો બ્રાહ્મણને જ ભણાવાય. બોલ, માડી! આપણું ગોત્ર કયું?' એ સાંભળીને માતાનું મોં શરમથી નીચે ઢળ્યું, કોમળ કંઠે એ દુઃખી નારી બોલી: ‘બેટા! મારા પ્રાણ! આ તારી મા એક વખત જુવાન હતી, ગરીબીની પીડામાં પડી હતી. તારો કોઈ બાપ હતો જ નહિ. દેવતાઓની મેં બહુ પ્રાર્થના કરી. દેવતાઓએ દયા કરીને તને મારે પેટે જન્મ આપ્યો. તારે ગોત્ર ક્યાંથી હોય, વહાલા! તારે બાપ જ નહોતો.”

તપોવનની અંદર બીજા દિવસનું સુંદર સવાર પડ્યું છે. એ વૃધ્ધ વડલાને છાંયડે વૃદ્ધ ઋષિજી બેઠા છે. એમને વીંટળાઈને પીળાં વસ્ત્રોવાળા બટુકે બેસી ગયા છે. તાજું સ્નાન કરેલું તેનાં જળબિન્દુઓ એ બટુકોની જટામાંથી ઝરી રહેલ છે. તપોવનના પુણ્યની નિર્મળ કીર્તિ એ કુમારોના મોં ઉપરથી કિરણો કાઢી રહી છે. વડલા ઉપર પંખીઓ ગાય છે, ચોપાસનાં ફૂલો ઉપર ભમરાઓ ગાય છે, સરસ્વતીનો પ્રવાહ ગાય છે, ને આશ્રમના કુમારો બધા એક સાથે શાંત સામવેદની ગાથાઓ ગાય છે. એ ચતુરંગી ગાન કેવું? એકલી બેઠી બેઠી કુદરત ચોતારું કોઈ વાજીંત્ર બજાવી રહી હોય તેવું. તપોવનના અનેક બટુકો જ્યારે કુદરતના વાજીંત્રની સાથે સૂર મેળવી સંગીત કરી રહ્યા છે, ત્યારે સરસ્વતીને તીરે ચાલ્યો આવતો પેલો સત્યકામ શાં શાં રૂદન કરી રહ્યો છે? એના મનમાં થાય છે કે ‘રે, હું ગોત્રહીન! મારે કોઈ બાપ નહિ: જગતમાં હું કેવળ એક આકાશમાંથી ખરી પડેલો તારો! હું માત્ર સત્યકામ! અર્થહીન એક શબ્દ! આ મારા જેવા જ અનેક કુમારો આંહીં ગાન કરી રહ્યા છે. ઋષિ એને ખોળામાં બેસાડે છે, છાતીએ દાબે છે, ચુંબન કરે છે. બટુકોની આ મંડળીમાં પગ મૂકવાનું મારે માટે બંધ છે. હું ગોત્રહીન!” શરમાતો શરમાતો એ બાળક આઘે ઊભો રહ્યો. ઋષિજીની નજર પડી, સત્યકામને બોલાવ્યો? “આંહી આવ, બેટા! તારૂં ગોત્ર કયું, હે સુંદર બાળક?” બાળકે નીચું વળેલું મસ્તક ઊંચું કર્યું. એની કાળી કાળી બે મોટી આંખોની પાંપણો આંસુથી ભીંજાઈ, એ બોલ્યો: “મહારાજ! માએ રડીને કહ્યું કે મારે કોઈ પિતા નહોતો. માએ દેવતાની બહુ ભક્તિ કરેલી, એટલે દેવતાઓએ એ ગરીબ માને પેટે મને જન્મ દીધો. મારે કોઈ ગોત્ર જ નથી.” બટુકોની મંડળીમાં હસાહસ ચાલી. મધપુડા ઉપર પથ્થરનો ઘા થાય ને જેમ માખીઓ બણબણી ઊઠે, તેમ વિદ્યાર્થીઓમાં કોલાહલ ફેલાયો. કોઈ મશ્કરી કરતો કરતો સત્યકામની સામે હસે છે. કોઈ કહે છે કેઃ “અરરર! એને બાપ જ નહિ.” કોઈ બોલ્યો “ધિક્કાર છે. એને ગોત્ર જ ન મળે.” કોઈ કહેઃ “શું મોઢું લઈને એ અાંહીં પાછો આવ્યો?” કોઈ કહેઃ “ગુરુજી એની સાથે કાં વાતો કરે?” સત્યકામની અાંખોમાંથી અશ્રુની ધાર ચાલી. મશ્કરી સાંભળીને એના માથામાં એક જ અવાજ ગાજી રહ્યો: “હું પિતાહીન! હું ગોત્રહીન!” ઋષિના કાન મંડાયા છે પેલા બટુકોના ટિખળ તરફ; ઋષિની આંખો ચોંટી છે આ નબાપા બાળકના સુંદર ચહેરા તરફ; બ્રહ્મર્ષિનું હૃદય વિચારે છે કે “ધન્ય છે તને, હે સત્યવાદી બાળક!” આસન ઉપરથી આચાર્ય ઊભા થયા. બાહુ પસારીને એમણે રડતા બાળકને આલિંગન કર્યું. વેદિની પાસે એને ખેંચી લીધો ને કહ્યું: “તું ગોત્રહીન નહિ, તું પિતાહીન નહિ, તું અબ્રાહ્મણ નહિ, હે બેટા! તું જ શુદ્ધ બ્રાહ્મણ, તારા ગોત્રનું નામ સત્યગોત્ર. એ નામ કદાપિ ભૂલીશ નહિ, હો તાત!” સ્તબ્ધ બનીને બટુકો જોઈ રહ્યા. એમનાં મોઢાં નીચાં નમ્યાં. તપોવનમાં એક બ્રહ્મચારી વધ્યો. ગુરુદેવને સૌથી વધારે વહાલો બાળ એ સત્યકામ બન્યો.