કુરબાનીની કથાઓ/સ્વામી મળ્યા!

From Ekatra Wiki
Revision as of 06:51, 6 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્વામી મળ્યા!|}} {{Poem2Open}} ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્વામી મળ્યા!

ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા, એનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું. પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે, પતિની ચિતામાં બળી મરવાને એ બાઈએ મનસૂબો કરેલો. કપાળમાં ચંદનની પીળ કરેલી, સેંથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપર લગ્નદિવસનાં વસ્ત્રાભૂષણો ધરેલાં. ભેળાં મળેલાં સગાંવહાલાં આનંદની ચીસો પાડે છે, સતીના નામનો જયજયકાર બોલાવે છે, અને પુરોહિતો ધન્યવાદ દેતા દેતા ચિતાની તૈયારી કરી રહ્યા છે એ સતી સ્ત્રીએ અચાનક ત્યાં તુલસીદાસજીને જોયા અને આતુર બનીને પૂછ્યું: ‘હે ગોસ્વામી! તમારા પવિત્ર મુખમાંથી મને પરવાનગી આપો. મને આશીર્વાદ દો, એટલે હું સુખેથી ચાલી જઈશ.' ગોસ્વામીએ પૂછ્યું, ‘માતા, ક્યાં જવાની આ તૈયારી કરી છે?' બાઈ બેલી: ‘મારા સ્વામીની સાથે બળી મરીને સ્વર્ગે જઈશ, મહારાજ!' હસીને ગોસ્વામી કહે છે: ‘હે નારી, આ ધરતીને છોડી સ્વર્ગમાં જવાનું કાં મન થાય છે? સ્વર્ગનો જે સરજનહાર છે તેની જ સરજેલી શું આ પૃથ્વી પણુ નથી, બહેન?' અજ્ઞાન સ્ત્રી આ વાતનું રહસ્ય સમજી ન શકી. એ તો વિસ્મય પામીને સાધુ સામે જોઈ રહી. એના મનમાં થયું કે ‘તુલસીદાસ સરખો ધર્માવતાર આજે કાં આવી વાણી કાઢી રહ્યો છે?' સ્વામીજીની સામે જોઈને બાઈ બોલી: ‘મારા સ્વામી મને આંહીં મળી જાય તો મ્હારે સ્વર્ગનું શું કામ!' તુલસીદાસ ફરી વાર હસીને બોલ્યા: ‘ચાલો પાછાં ઘેરે, મૈયા! સાધુનો કોલ છે કે એક મહિનાની મુદતમાં તમને તમારો સ્વામી પાછો મળશે.' તુલસીદાસનો કોલ! ભક્તહૃદયને શ્રધ્ધા બેઠી. આશાતુર હૃદયે એ બાઈ પાછી વળી ને ગોસ્વામીની પાછળ પાછળ ચાલી ગઈ. પછવાડે પુરોહિતોએ શાપ વરસાવ્યા, સગાંવહાલાંઓએ નિંદા શરુ કરી, ગાળોના ઉચ્ચાર કાઢયા; કોઈએ પથ્થરો પણ ફેંક્યા: પલવાર પહેલાંની સતી બીજી જ પળે કુલટા બની ગઈ. ભયભીત હૃદયે એ નારી ગોસ્વામીના પડખામાં લપાતી ધ્રૂજતી જાય છે, પાછળ નજર નાખતી જાય છે. ગેસવામી તો પ્રભુના કીર્તનમાં મસ્ત બની નિર્ભય પગલે ચાલે છે; એ ભક્તની અને એ નારીની પાસે આવવાની કોઈની મગદૂર નહોતી. એક નિર્જન પર્ણકુટીમાં એ બાઈને સુવાડીને ગોસ્વામી ગંગાને કિનારે પાછા આવ્યા. આખી રાત જાગીને એણે પ્રભુનાં કીર્તન ગાયાં. પ્રભાતે એ રમણીની પાસે જઈને ભક્તવર થોડી વાર બેઠા. પ્રભુની ને પ્રભુ–કરુણુની મીઠી વાતો કરી. એક મહિના સુધી આમ ચાલ્યું. એ આશાતુર વિધવાના વદન ઉપર કોઈ અમર ઉલ્લાસ પ્રકાશી નીકળ્યો. શ્વેત વસ્ત્રોની અંદરથી પણ પરમ સૌભાગ્ય પ્રગટ થયું. એની આંખોનાં આંસુ સુકાયાં, પ્રકાશનાં કિરણે છૂટ્યાં. સગાંવહાલાંએ આવીને મર્મવચનો કહ્યાં: ‘કાં, તારે સ્વામી જીવતો થયો કે?' વિધવાએ હસીને કહ્યું: ‘હા! સ્વામી તો પાછા આવી ગયા.' ચમકીને બધા પૂછે છે: ‘હેં! ક્યાં છે? કયા ઓરડામાં બેઠા છે? બતાવ ને?' રમણીએ ઉત્તર દીધો: ‘આ હૃદયના ઓરડામાં સ્વામી સજીવન બનીને બેઠા છે. તમે ત્યાં શી રીતે જોઈ શકો?'