કોડિયાં/ક્રાંતિનાદ

ક્રાંતિનાદ


અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાં
ધરી શરીર-માળખે કકડતી ધ્રૂજે ટાઢમાં;
સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,
વિતાન ઘર-છાપરું: દિશ દીવાલ: શય્યા ધરા!

અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાં
ભૂખે ટળવળી: અને હૃદય દુ:ખના તાપમાં
બળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.
રમે મરણ જીવને અતુલ માનવીનાં મડાં.

પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળના
ન ઇચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના,
મરો ટળવળી મુખે હૃદયહીન દુષ્કાળના!

સહુ વીતક વીતજો! વિઘન ના નડો શાંતિનાં!
બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના!
8-11-’30