કોડિયાં/ઘુવડ

Revision as of 13:04, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘુવડ|}} <poem> આકાશનું ઊછળતું કુરંગ દોડી રહે અર્ધીક વ્યોમકેડી;...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઘુવડઆકાશનું ઊછળતું કુરંગ
દોડી રહે અર્ધીક વ્યોમકેડી;
લખી લખી વાસરી, પ્રાણ સંગ
પ્રલાપની ટેવ મને પડેલી.

દીવો કરી અંધ પથારીએ પડું,
જરાક શી ચાદર જેમ ઓઢતો;
ચિત્કાર શો ઘુવડનો હું સાંભળું,
અંગાંગ માંહી જરી હું ધ્રૂજી જતો.

ધીમે ભરું બીકણ પાય મારા,
લપી છૂપી બારી કને ઊભું જઈ.
દેખી રહુ તારકના ધ્રુજારા,
અંધારખોળે મુખ આવરી દઈ.

ફળી મહીં બાવળવૃક્ષ ઊભું,
રોમાંચ શા કંટક પાંશરા કરી;
શિરીષની નાનકડી કૃતિ શા
પુષ્પે ભરી માદક ગંધ, કેશરી.

નિશા પરે જાય નિશા પળંતી,
પાનાં પરે વાસરી-પાન ચીતર્યાં;
પ્રત્યેક રાતે મૃગલે રડંતા
તારા પરે કમ્પિત કૂદકા કર્યાં.

ચિત્કાર કિંતુ નવ એ શમે કદી,
ન ડાળી બીજી કદી શોધતું દીસે!
કુરંગની સાઠમી જ્યાં પડે ખરી,
ધ્રૂજાવતું ભીષણ શબ્દ ઉચ્ચરી.

ચોથી કરી પોથી પૂરી સ્મરું જરી,
ચિત્કાર ત્યાં એ ફરી વાર ગાજ્યો;
ચારે દિશે કાન ધરી નવાજ્યો,
અંગાંગ મારે ફરકંત ખંજરી.

ન જાણું ક્યાંથી? પણ આવી ઊભો
વિચાર મારા મનમાં બિહામણો,:
જેને શિરે ઘુવડ શબ્દ ધૂકે,
નકી થતો માનવી શીશ-હીણો!
બારી કરી બંધ પથારીએ પડું,
કપોત મારા ઉરમાં ધ્રૂજી રહે;
સૂવા જરી પીઠ અનેક ફેરવું,
અંધાર કાંઈ ગૂઢ કાનમાં કહે.

પ્રભાતના બંસરી સૂર વાયા
નિદ્રા તણે અંક જરી ઢળી ગયો;
ધબાક શો નાદ! પ્રકમ્પ કૈં થયો,
ધ્રૂજી રહ્યા ચાર પલંગપાયા.

બારી ઉઘાડું દ્વય આંખ ચોળતો,
સવિતની સો ચમકે કટારી;
કપાયલું બાવળવૃક્ષ ઢાળી —
ઊભો કુહાડી દરબાર તોળતો.

નિદ્રાહીણી લાલ નિહાળી આંખો,
પળેક એ ચાકરડો જતો ધ્રૂજી:
પડી ગઈ, સા’બ! નમેલ છાપરી,
થડા થકી ટેકવવા હં કાંપતો!

બારી તણું દક્ષિણદ્વાર વાસ્યું!
માથું હજી છે ધડ પે! તપાસ્યું.

21-2-’32