કોડિયાં/ઝંઝારાતે

Revision as of 11:24, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝંઝારતે|}} <poem> જાગશો ના, પ્રાણ! ઊઠશો ના, પ્રાણનાથ! જીવની આણ જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઝંઝારતેજાગશો ના, પ્રાણ! ઊઠશો ના, પ્રાણનાથ!
જીવની આણ જો છોડશો મારી બાથ!
આજ નથી આભ હાથમાં એના તૂટતા ચાર મિનાર,
ધણણ ધણણ મેઘ ધ્રબૂકે: વીજળીના ચમકાર.

ઊઠશો ના, પ્રાણ! આણ કુમારની આજ,
કાળ-ઝંઝાનાં વાગતાં ઝાંઝ-પખાજ;
વિજન કાનને વૃક્ષ થતાં ઉન્મૂલ!
તૂટતી ડાળીઓ, તૂટતાં નાળાંપુલ:
કોઈ નથી ઉડુ આભ, સુકાયાં સુરગંગાનાં નીર;
વીજની નાગણ ડંખતી આજે વ્યોમધરાનાં હીર.

આણ છે દેવની, ઊઠશો ના ભરથાર:
આજ નહિ, પ્રભુ! સાંભળો હાહાકાર,
ઊઠતો વાટથી: પૂર છૂટ્યાં પુરપાટ —
જનપદો, પૂર, ગામડાંને સસડાટ
તાણતાં સાગરમુખ ભણી જેના પેટનો ના’વે પાર:
વાયુવંટોળમાં દ્વિજગણોના સાંભળો શા ચિત્કાર!

ખોલશો ના દ્વાર, દેવ! ન ખોલશો આજ:
કાળના તાંડવતાલ ને રુદ્રનો નાચતો સાજ સમાજ.
કોઈ નથી પથ ચીંધવા આપને:
દીપ ઠર્યા સહુ વાયુના કાતિલ કાંપને:
ગોરંભને નથી જંપ, કરંત પ્રકંપ ધરા:
વ્યોમની છૂટતા બર્ફ ખરંત કરા!

છોડશો ના, નાથ! આંગણું, મારા ગર્ભની આપું આણ:
હૂંફ ત્યજો મુજ કોટિની શાને? આવજો ઝેરી બાણ
ચીરવા ઉદર, છેદવા કોચો પ્રાણ
જેમ ચીર્યા’તા પરીક્ષિતને જનની-ઉદરસ્થાન:
દીપપ્રકાશમાં નીરખ્યું એણે નારનું આખું અંગ:
છીછરી ચૂંદડી ઢાંકતી’તી એનો બીજ સમો કટિભંગ:

જેમ પ્રદીપશિખા ધ્રૂજતી ત્યમ પાંપણના પલકાર:
ધમતી છાતીએ, ઊછળે ને પડે હીરલા કેરો હાર:
શેઠ હજી ધરે સ્નિગ્ધતા એને ચાંદલા બેઉ કપોલ:
આંખમાં કાંઈ અમોલ:
ધડ કરી દ્વાર વાસતો નાઠો પાછળ નેન કરી,
દૂર જતાંજતાં માર્ગમાં સ્હેજ ફરી:

ઊછળે સાગર, વીંઝતા વાંસડા હાથ,
ડાળીઓ ઝીંકતી એકબીજાને કરવા જાણે મ્હાત
જેમ ઝીંકે ધીક આખલા ઊછળી: દૂર
આભમાં મેઘમૃદંગ ગગડતાં ક્રૂર:
સૃષ્ટિના તાંડવે એય ભળ્યો નવ સાંભર્યાં નેહના નીડ:
દીપક દ્વારનો ક્યાંય છુપાયો: વચમાં વનની ભીડ.
27-3-’33