કોડિયાં/નિધનની પછીતે

નિધનની પછીતે


કહે હૃદયરાજ! બે નયનમાં ન એકે ચડ્યું
વિદગ્ધ ક્યમ અશ્રુબિન્દુ ઉર લોહીનું નીતર્યું?
અધિક નિજ પ્રાણથી જીવનથી મને ચાહતો,
અને પ્રણયલોઢમાં હજી ન ઓટ સંભ્રમ થતો
કદી નવ મને! અને ગલિત હસ્ત હિમ સમ ઊજળો પાથર્યો
પ્રશાંત મમ વક્ષ પે: જરીક હસ્ત મારો સર્યો,
સરે પૂરવી-કાળ પીંગળ કપોત માળે ત્યમ,
સુગંધ ધૂલિધૂસર સ્ખલિત કેશ મધ્યે: જ્યમ
સુસ્નિગ્ધ નયનો કર્યાં હૃદયરાણીને તાકતાં,
કપોલ પર પાંડું બે અતૂટ આંસુ-રેલા થતા:

દીઠાં પછમ બારીથી હરણી-વ્યાધને કૂદતાં
ફલંગ ભરી જીવલેણ: પુરના દીવા ઠારતા
વહે ઉતલ વાયુ: ને હૃદયરાજ મૂંગો થશે?
પ્રભાત પડતાં મને અગન દાહ દેતો હશે!
કહે, શું લવલેશ દુ:ખ, ભય, યાતના ના થતી?
નહિ ફરક વિશ્વમાં જદી હતી, હતી ના થતી?
અવાજ સહ મેં ધર્યા ઉભય હસ્તમાં દેવીના
કપોલ બહુ જોરથી: અધિકડાય જોરે ભીના
કર્યા સુકલ ઓષ્ઠ: ને શીશ લીધું, ધર્યું છાતીએ:
ઠર્યું પ્રદીપકોડિયું સમીરસાન: ને જાતી એ.
પ્રિયે! હૃદયરાજ્ઞિ! જે દિવસથી મને તું મળી,
અને કવિતકલ્પને ભભક જ્યોતિ તારી ભળી;
રચેલ તવ ચિત્ર મેં નિધનની પછીતે અને
પ્રભા તરલ નેનની, કમળ લાલી ગાલો તણી,
કલાપી સમ ડોક, ને અલક કોટિ કોટિ ગણી,
અનાઘૃત કુસુમદ્રોણ સમ બે ભરી છાતીને,
ઢળંત નભ બીજ શી ચપલ કેસરિણી કટિ,
હથેલી પદપાનીની તરલ આરતીની શિખા
સમી સકળ આંગળી: સહુ પ્રિયે! હતું ચીતર્યું
પછીત કરી મૃત્યુની! તુજ સ્વરૂપનો મે લહ્યો
ઉઘાડ ધરી મૃત્યુનું પ્રતિસ્વરૂપ! તેથી થયો
ન કંપ મુજ હસ્તમાં સકળ વિશ્વને પાડતો!

સુણ્યો ન પરિશેષ ના નયનજ્યોતિ ઝાંખો થતો.
31-3-’33