કોડિયાં/પૂરવ પ્રેમી

પૂરવ પ્રેમીવિખેરીને સૂકલ પાંદડાં સહુ
કંકાલનું એક બિછાનું પાથરી;
કદંબનું વૃક્ષ નિહાળતું નવું
કંઈ, ઠૂંઠી અંગુલિઓ ઊંચે ધરી.

પ્રજાળીને અંતર અંકુરો બધા,
વિખેરી ખીલ્યા ઉરની પ્રફુલ્લાતા;
બેઠો હતો આત્મન એકલો તદા,
જોતો ખર્યાં પર્ણ ધ્રૂજંત ઊડતાં.

નૂપુરની ઝંકૃતિ આગળે પળે,
લળી, કટિભંગ કરી પિછાડી,
આવી ઊભી એય કદંબની તળે;
ધ્રૂજી રહી સર્વ સૂતેલ નાડી.

નીચે હતાં નેન ઢળેલ મારાં,
અનુભવ્યું તોય દહંત પોપચે;
થીજી હતી રક્તની નાડીધારા,
હૈયા પરે સાત સમુદ્ર તો લચે.

પળું પ્રભાતે મુજ પ્રેમી સાથ,
છેલ્લું કંઈ પૂરવ પ્રેમી માગ!
કે’ તો દઉં એક પ્રકાંડ બાથ,
હોલાવવા અંતર કેરી આગ!

વાયુ તણી એક ઝડી ઝીંકણી,
પ્રકંપતાં પર્ણ ઊડ્યાં કદંબથી;
વેણુ તણી લંબ ભુજા વીંઝાણી,
કપોતડું એક ઉડ્યું કહીંકથી.

ધીમે ધીમે ચક્ષુદ્વયી ઉપાડ્યાં,
પળેક એ આંખડી જોઈ તો રહ્યો;
ધીમેકથી પાંપણ ઢોળી પાડી,
નીચે લળી; હુંય ઊભો થઈ ગયો.

તમે સૂશો એ જ પલંગ પાથરું,
આલંગિને હું જ ધરીશ વીંઝણો;
ચૂમ્યા હતા ઓષ્ઠ: સુવર્ણ હું કરું
કો અન્યના ચુંબન કાજ. ને ફરું—


બની ગયું શું જરી હું ન જાણું,
પડ્યો હતો: પાંપણ સ્હેજ ઊઘડી;
સૂકેલ બે પર્ણ મહીં પ્રમાણું
બે આંસુડાં; ને પગલાં કંઈ પડ્યાં.

31-8-’32