કોડિયાં/પ્રણયપુત્રમાતા

પ્રણયપુત્રમાતા... (અંજનીગીત)
પુત્ર અલૌકિક આપો કોઈ,
          માતા બનવા હું તૈયાર!
માત્ર પિતા બનવાનું સાટું,
          અન્ય નહિ આપું અધિકાર!
                   અંજનીગીત ઊભરાતું જાતું;
                   ત્રિલોક છંદ થકી ઊભરાતું!

જોરૂ નહિ પણ જાયા બનવું,
          સર્જન સંવેદનની મ્હાણ!
અર્ધું ચેતન કોઈ આપો,
          અર્ધાની ઊભરાતી ખાણ!
                   વાંછા સંવેદન ત્રાડે,
                   દિશા-દિશા પડઘા પાડે.

ઉત્ક્રાંતિના ક્રમમાં આજે,
          લોક તણું સર્જન થાતું!
પુત્ર અલૌકિક સર્જાવીને,
          પગલું ભરવું લંબાતું!
                   ઉત્કંઠાયે દેહ ધરે,
                   નૃત્ય કરંતી થરવિથરે!
પુત્ર અલૌકિક આપો કોઈ,
          માતા બનવા હું તૈયાર!
અર્ધ અલૌકિક મુજમાં કૂદે,
          અર્ધ શોધવું પેલે પાર!
                   શબ્દ-શબ્દ ગાજે માતા!
                   અતૃપ્ત, ઘેલી સર્જકતા!
સાગરનાં ઊછળતાં મોજાં,
          ફેન સ્ફટિકનાં સર્જાવે!
એવાં ફેન થકી સર્જેલી
          અંજની એકલતા ગાવે!
                   ઊગમ એનું તો તોફાન!
                   મુખર મુખ એકલતા ગાન!