કોડિયાં/બાવીસમે વર્ષે

બાવીસમે વર્ષેઉપર વિઠલજીની વેદી રે,
          નીચે એક કૂણો ક્યારો:
                   એમાં હું તુલસીનો છોડવો!
હરિજન આવી પગ પૂજતા,
          જલસંચિનની ધારો:
          તુલસીક્યારામાં દરોડવો!
મારે કંઈક ફૂટી મંજરી,
          વળી ફૂટશે હજારો:
                   કેટલીનો ભેદ કેમ ફોડવો?
વાસવીસ મંજરી ખરી ગઈ,
          આજ એકવીસ વારો:
                   એનોય મોહ આજ છોડવો!
માન્યું મેં વિઠલા પદે જશે,
          ભેદ તો ખૂલ્યો અકારો!
                   મકરંદ બધો માટી મહીં રોડવ્યો!
જેની હતી શીળી છાંયડી,
          જેના રસનો ફુવારો:
                   એને જ આમ કરી ભોળવ્યો!
કોઈ હાડ-ચામ કેરું માનવી,
          ડિલે બ્હારનાં શૃંગારો:
                   મનડાનો સાહ્યબો થઈ ગયો!
જાશે બધી જ આમ મંજરી,
          જીવની સુગંધ-ધારો:
          સારું જો છોડ માટીમાં મળ્યો!
18-9-’32