કોડિયાં/ભાઈબહેન

Revision as of 12:43, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભાઈબહેન|}} <poem> રાજે ઊંચે ત્યાં શશી પૂણિર્માનો ધરી શરીરે પટ ચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભાઈબહેન


રાજે ઊંચે ત્યાં શશી પૂણિર્માનો
ધરી શરીરે પટ ચંદ્રિકાનો;
ને તારકોની ફૂલમાળ પ્હેરી,
સમુદ્ર સામે મલકે રૂપેરી.

સફેદ નૌકા સરતી હતી ત્યાં,
નકી ન નૌકા વળશે, જશે ક્યાં?
નાવિકા, જન્મોત્સવના ઉમંગે
ચડ્યા હતા સર્વ સહિત રંગે.

નૌકા મહીં સ્હેલ કરે કુમાર,
સાથે હતા સૈનિક આઠ-બાર:
કુમાર ને બ્હેન હસે ઉમંગે,
બન્ને ચડ્યાં સ્નેહ મહીં તરંગે.

વીરા! થશે તું દિન એક રાજ,
કરીશ શું તે દિન બ્હેન કાજ?
હું તો મજાની પરણાવું રાણી,
ને ગીત ગાઉં ખૂબ રાગ તાણી.

ના,બ્હેન! તે દી પરણીશ હું ના,
તારા વિના સર્વ મહેલ સૂના;
હું ને તું બે, એક જ સાથ રે’શું,
ને એકબીજાં દિલ વાત કે’શું.

જોજે હું લાવું નભ શુક્ર-તાર,
તે હીરલાનો કરું એક હાર.
હું તો, વીરા! કંકુ કરું ઉષાનાં,
ને અશ્રુને નીર કરું નિશાનાં.

ત્યાં તો હવાના સુસવાટ આવ્યા,
મૃત્યુ તણું કારમું કે’ણ લાવ્યા;
નૌકા ડૂબે ને ઊછળે, ડૂબે છે,
સૌ ઉરમાંથી ધડકા છૂટે છે.

આકશથી મેઘની ધાર છૂટે,
ને નાગણી શી વીજળી ઝબૂકે;
શા મેઘના એ રણઢોલ વાગે,
તારા અને ચંદ્ર છુપાઈ ભાગે.

નાવિક ધ્રુજે, નહિ લાજ રે’શે,
રાજા કને તે શું જવાબ દેશે?
કુમાર ક્યાં છે? ઊપડ્યો અવાજ,
નાવિક પ્રાર્થે: પ્રભુ, લાજ રાખ!

કુમાર બેઠો હતો એક હોડી,
ને સાથ નાવિકની એક જોડી;
મારી મૂકો! એમ વદ્યો કુમાર,
ને હોય શું ત્યાં ક્ષણમાત્ર વાર?

ત્યાં તો હવા ચીરી અવાજ આવ્યો:
મ્હારા વીરાને, પ્રભુ, ઓ! બચાવો!
ને કાન ચીરી ઉર ઊતરે છે,
કુમારને બ્હેનનું સાંભરે છે.

થંભો! કહે હોડી ઊભી રખાવે,
સોચ્યા વિના તે જળ ઝંપલાવે;
આવે તરી હામથી બ્હેન પાસ,
નાવિક ડૂબ્યા નીરમાં, નિરાશ.

તરી તરી રાજકુમાર થાક્યો,
સમુદ્રમાં ત્યાં સૂનકાર વ્યાપ્યો;
ને નાવનું નામનિશાન ન્હોતું,
આકશનું ચક્ષુ વિશાળ રોતું.

          *
પ્રભાત ઊગ્યું, રવિ શું નિહાળે?
બ્હેની લઈ ભાઈ તરે નિહાળે;
ને બાથ ભીડી, વદી એક વેળા:
ઊંચે જશું આપણ બેઉ ભેળાં.

27-4-’27