કોડિયાં/મારી બા

મારી બાખણી ખણી કોતર કાળજાનાં
આ દેહનું મંદિર તેં ચણી દીધું;
કરી દઈ દાન બધી પ્રભાનાં
આ કોડિયું એક પ્રકાશતું કીધું:

ચતુર્મુખે વિશ્વ સૃજાવતાં દીધી
બધી પ્રભા, તેં મુજને ધરી દીધી!

આ વિશ્વની ભવ્ય વિરાટ વાડીએ
 પ્રવેશ તું કાંચન દ્વારથી કીધો;
પાવિત્ર્યનો, ધર્મ તણો, પ્રભાનો,
સંદેશ તેં પ્રેમ પીયૂષમાં દીધો.

અજ્ઞાતના ભીષણ ગર્ભમાંથી
ખેંચી લઈ આતશ દેખતો કીધો!

વર્ષો વીત્યાં આજ ઊડી ગયાને
ઊંચે, મૂકી એકલ બાળ બાને:
ન વીસરું નેત્ર કદી અમીનાં,
અપત્યપ્રીતિ પમરંત હિના.

સંધ્યા-ઉષા નીરખતાં દિગન્તે,
અશ્વે ચડું હું સ્મૃતિના ઉડન્તે;
ને બીજમાં હું તુજ રૂપ ભાળું,
માતૃત્વની ત્યાં કવિતા નિહાળું.

નથી ગઈ બા નકી હું કહું છું:
રૂપાન્તરો સર્વ મહીં સ્મરું છું;
આકાશમાં તારી અનંતતા છે,
ને અગ્નિમાં તું જ વિશુદ્ધતા છે.

નિદ્રા મહીં વત્સલભાવ બાના!
ઉલ્લાસ બાના સ્મરું સોણલામાં;
દયા ઝરે માતની ચંદ્રિકામાં,
વસુંધરામા બલિદાન બાનાં!

આરાધનામાં સ્મરું રૂપ બાનું!
ને બા સ્મરીને પ્રભુરૂપ પામું!
23-7-’32