કોડિયાં/મોના લિસાનું સ્મિત

Revision as of 11:09, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોના લિસાનું સ્મિત|}} <poem> કહું કદીક: ગૂઢ મર્મ સ્મિતનો લિસા! મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મોના લિસાનું સ્મિત


કહું કદીક: ગૂઢ મર્મ સ્મિતનો લિસા! મેં ગ્રહ્યો!
—વિવેચક હજારને જીવન વેડફ્યે ના મળ્યો!
સહુ ભમ્રર ભાંગશે વિકલ: બેસ, ડાહ્યો થયો :!
જરાક લવતાં શીખ્યો, જરીક પાંગર્યો, ત્યાં છળ્યો!
છતાંય વદું: લુવ્રને જીવન આપતાં હાસ્યની
પ્રતિચ્છવિ પડી હૃદે, જગ ચળાવતા લાસ્યની!
અજેય સ્મિત આ દીધું નહિ હતું તને વિન્ચીએ!
—- ન જે રચી શકાય હાસ્ય ખુદ વિશ્વકર્માથીએ! —

જગે સ્વરૂપ વેરવા, અનુપ મૂર્તિ સર્જાવવા,
અકારણ તને હતી કદીક ચીતરી વ્યાપવા.
પરંતુ શત લોક ચારુ તુજ લોચનો પેખતાં,
કદી ઝઘડતાં, કદીક છળતાંય, ગાંડાં થતાં!

અને તુજ કપોલમાં કરચલી ઊઠી પાતળી,
જરીક ઊપસેલ તે અધરનીય રેષા ઢળી.
અસંખ્ય જનની સહી ઉર વિદારતી મૂર્ખતા,
જરાક કરુણાર્દ્ર ચક્ષુ અવહેલનાયે ઢળી!

ઠરેલ તુજ ચીતરેલ મુખ તેમ મર્મે હસ્યું!
કપોત તુજ છાતીનું જરીક ઊછળીને લસ્યું!
પ્રદીપશિખ પાતળાં વિકલતા વળ્યાં આંગળાં!
સહસ્રશત વાળની વિકિરતીય સોળે કળા!

નહિ સ્વપનમાંય ખ્યાલ સ્મિતનો લિઓનાર્દને!
કહો, ક્યમ વિવેચકોય તણી પાસ ખુલ્લો બને?
વિશાળ તવ લોચનો નીરખી માનવી પામરો,
જરીક હસતાં રડી રચત ફિલસૂફીના થરો!

અને તુજ સ્વરૂપના ચીતરનારના માનસે
મનુષ્ય-દિલદીનતા હસતું હાસ્ય કેવું હશે!