કોડિયાં/રાતના અવાજો

રાતના અવાજો


નીંદરનાં બારણાં ખોલવાનો કારણે
          પાંપણોને પોરવી તાળાં દીધાં;
શાંતિની જીભ શા રાતના અવાજે
          અંધાર વંડીએથી ડોકિયાં કીધાં.
જોયો કો જમ ને કોળીનું કૂતરું
          કૂવા કને જઈ ભસતું જતું,
હાથમાં મિલાવી હાથ કુમળા પ્રકારના
          મેડી નીચે કોઈ હસતું હતું.
જેલની દીવાલ પે આલબેલ ગાજતા
          અંદરના ‘ઓહ!’ સો મૂંગા રહ્યા;
ઘૂવડની ઘૂકમાં કકળ્યાં પારેવડાં
          કબરોમાં કોઈ પેર આવ્યાં, ગયાં.
ગાડામાં એકલો વાસળી વગાડતો
          બેકલ થવાની હોંશ ગાતો જતો;
ચીલાએ જીરવ્યા આવા અનેકને
          એટલે ‘કર્રડકટ્ટ’ બળખો થતો.
રોવું, રાજી થવું, હસવું કે ભૂલવું?
          સમજી શકું ન હું ને પાસાં પડું;
દિનભર સૂતેલ દિલ આળસ મરોડી
          પોપચાંને તંબૂને થાતું ખડું.
20-10-’55