કોડિયાં/સાબરમતીનું પૂર

From Ekatra Wiki
Revision as of 12:37, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાબરમતીનું પૂર|}} <poem> નાસો, ભાગો, પૂર ચડે છે! પૂર ચડે છે? ભાગો,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સાબરમતીનું પૂરનાસો, ભાગો, પૂર ચડે છે!
પૂર ચડે છે? ભાગો, ભાઈ!
જીવ બચાવા નાસે ત્યાં તો
કાળ તણા જલથી ઘેરાય.
          સો-સો પ્રાણ સપાટે ચાલ્યા!
          સાભ્રમતીનાં મુખડાં મ્હાલ્યાં!
બાળક કાખ મહીં ઝાલીને
માતા અશ્રુએ ભીંજાય.
દોડો, કોઈ બચાવો, ભાઈ!
અકળામણમાં શું સંભળાય?
          આંસું એનાં સમદર જાય!
          સમદર પીને ખારો થાય!
‘મરશું તો સાથે મરવાનાં’
માની વ્હાલાં ભીડે બાથ.
ભેખડ સાથ પછાડા ખાતાં,
સર્વ તણો તૂટે સંગાથ.
          રાક્ષસી! શું સલ્યો સંગાથ?
          સહી નહીં પ્રેમીની બાથ?
કો’નાં બાળક, કોની માતા,
કો’ના ભ્રાત તણાતા જાય.
ભોગ મળે ત્યાં થાય ભયંકર,
ધ્વંસ કરીને ધાતી જાય.
          સાભ્રમતી! આ શાનો કેર?
          ઠર્યાં હતાં તે ઊકળ્યાં ઝેર?
માતા માની તુજને પૂજી,
જોઈ આજે તારી જાત!
રેવા નહીં તું ખરે રાક્ષસી,
હોયે આવી મારી માત?
          બાળક તારો આજ મટું!
          પ્રેમ નહીં પાખંડ હતું!
સુંદરતાએ હું લોભાયો,
નિત્ય કરું આવીને પાન.
જીવનદાતા માતા મારી!
સર્વ મહીં હું કરું ગુમાન.
          જીવન દેતી? જીવન લેતી!
          બાળક ના તું મુજને ક્હેતી!
સાભ્રમતી! તું સુકાઈ જાજે,
તરસે જાયે છો અમ પ્રાણ.
વહીવહીને નિત્ય આમ તું,
કરતી કો’દિ’ નહિ ઘમસાણ.
          ગોઝારી! એ જલ ના હોય!
          એ તારાં બાળકનાં લોહી!
27-7-’29