કોડિયાં/સુકાન પર ટેકવી

સુકાન પર ટેકવીસુકાન પર ટેકવી સબળ વક્ષ, ને હાથની
પડાળ કરી આંખને, કમરથીય નીચે નમી,
પ્રિયે! નિરખતો હતો ધરણી-પ્રાન્ત ઊભી તને;
હતી અમૂલ બે ઘડી જલધિ પાર જાવા મને.

અને ત્યહીં દીઠી ઢળેલ તવ પોપચે તોરણે
રચી નીતરતી સુધાંશુ સમ મૌક્તિકો પાંપણે,
સરી ગયુંય એક અશ્રુ મુજ નેનથી કારમું,
મહાન, દવલું, ઊનું, અમુલ પ્રેમના સારનું.

સહસ્ત્રશત જોજનો જલધિના વચે ઘૂઘવે;
અને જલધિ આ મહાન નીરખી વ્રીડા સંભવે;
હશેય અવડું, મહાન, દવલું, ઊનું આંસુડું!
રડેલ ચખનું હશેય વળી કેવું હૈયું વડું!

મહાન જ્યમ સર્જનો મહદ તેમ તેની વ્યથા!
સખીરી ! મુજ — તાહરી ટચુકડીય વ્હીલી કથા!
15-5-’34