કોડિયાં/સ્તંભ સ્વાતંત્ર્યનો

Revision as of 12:29, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્તંભ સ્વાતંત્ર્યનો|}} <poem> અને ફફડતાં ઊડે વિહગ આગના તાપથી, ધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સ્તંભ સ્વાતંત્ર્યનો


અને ફફડતાં ઊડે વિહગ આગના તાપથી,
ધ્રૂજે અમર સાક્ષી શા નભદીવા મહાપાપથી:
બળે ઝળહળે પ્રગાઢતમ કાળજાં રાતનાં;
શિશુ ફડફડી રડે સભય અંકમાં માતના.

ત્યજી જર જમીન ઢોર લળતા ઊભા પાકને,
ત્યજી સુખદ ખોરડાં સપૂત સાચવે નાકને;
કરી ભસમ મોહ જાન-જરનાં દુખોમાં હસે,
ખુવાર થઈ ખેડૂતો અડગ માંડવામાં વસે.

પણે પુર પડ્યાં સ્મશાન સમ મૌન આક્રંદતાં,
છતે દિવસ ત્યાં શિયાળ પુરપાટ સ્વચ્છંદતાં;
સપૂત શિર સાટના સમર માટ યુદ્ધે ચડ્યા,
પ્રશાંત ઘરબાર ત્યાં અજીવ ખોળિયાં શાં પડ્યાં.

ઠરી કમળ કોમળાં ગભરુ બાલુડાં ટાઢમાં
રડે સકળ રાત્રિઓ વિકળ માતની આડમાં;
પિતા જગતના, અખૂટ બળ વૈભવોના ધણી,
પસાર કરતા શિશિરશીત રાત્રિઓ તો ઘણી.

પરંતુ નવ જાલીમો જરીય દુ:ખથિ પીગળ્યા,
મદાંધ નયને વળીય થર લોહીના કૈં ચડ્યા;
સહોંશ સળગાવતા ઘર ત્યજેલ સૂતાં સૂના,
અને ગગન ઊછળે રૂધિર શા ફુવારા ઊના.

અને ફફડતાં ઊડે વિહગ આગના તાપથી:
ધ્રૂજે અમે સાક્ષી શા નભદીવા મહાપાપથી.
બળે ઝળહળે પ્રગાઢતમ કાળજાં રાતનાં,
શિશુ ફડફડી રડે સભય અંકમાં માતના.

સિકંદર સહ્યો, સહ્યાં ગજબ તઐમુરોનાં ઘણાં,
અનેક કતલો, અને અનલ નાદીરોના સહ્યા;
પરંતુ સઘળાં તણો કળશ આજ આભે ચડે,
હસંત વીર ખેડૂતો દુખ મહીં, ન પાયે પડે.

પ્રભાત પડતાં, નમેલ કૃષગાત્ર વૃદ્ધા મહી
બળી સળગી ખાખ માત્ર અવશેષ જોવા પળી.
ન પુત્ર, નવ નાથ, ના સદય ઉર એકે હતું;
હતું ઘર વિશાળ એય જગમાં હતું ના થયું.

પડ્યા થર મલિન રાખધૂળ કોલસાના દીઠા;
દીઠાં ભસમસાત સ્વપ્ન ભૂતકાળનાં કો મીઠાં;
રમ્યા રમત શૈશવે, રમણ યાવને જ્યાં કર્યાં,
ક્ષુધાર્ત જન લોહીનાં ઉદર-દાંતિયાં ત્યાં પડ્યાં.

નથી હૃદય પંખીડું ફફડતું: નથી ધ્રૂજતું,
ન આંખ મહીં ઝેર જરીય બિન્દુડું ઝૂઝતું!
કરો ભસમ દેહ આય, નવ પાઈ એકે મળે!
થયા ફરકી હોઠ બંધ જરી, એક આંસુ સરે.

કવિ! વિજય આવડો નીરખ પ્રેમના મંત્રનો!
સુઅશ્રુ મહીંથી ચડે ગગન સ્તંભ સ્વાતંત્ર્યનો!
14-1-’31