ખારાં ઝરણ/ઊંઘમાંથી જાગ, બાળક

ઊંઘમાંથી જાગ, બાળક

ઊંઘમાંથી જાગ, બાળક,
મુઠ્ઠી વાળી ભાગ, બાળક.

બંધ આંખો ખોલ ઝટપટ,
ચોતરફ છે આગ, બાળક.

પૂછશે આવી વિધાત્રી :
‘રાગ કે વૈરાગ, બાળક?’

જળકમળ જો છાંડવાં છે,
પ્રાપ્ત પળ પણ ત્યાગ, બાળક?

ખૂબ ઊંચે ઊડવું છે?
ખૂબ ઊંડું તાગ, બાળક.

એમને છટકી જવું છે,
શ્વાસ શોધે લાગ, બાળક.

મોત મોભારે જણાતું,
શું ઊડાડે કાગ, બાળક?


૨૦-૬-૨૦૦૯