ખારાં ઝરણ/એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ

એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ

એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ,
મોત છે ઊંડો કૂવો? સહેજ પૂછી તો જુઓ.

સાવ પાસે આભ ગોરંભાય, વાદળ ગડગડે,
છાપરામાં છે ચૂવો? સહેજ પૂછી તો જુઓ.

માર્ગ છે, પગલાંય છે, પંથી કશે દેખાય છે?
માત્ર અધમણ ના રુવો! સહેજ પૂછી તો જુઓ.

રાતદિન એકાંતમાં કે શાંત સૂના ઘાટ પર,
મેલ મનનો ક્યાં ધૂવો? સહેજ પૂછી તો જુઓ.

આપણા ‘ઇર્શાદ’ને શું વાણીના વળગાડ છે,
કેમ ધુણાવે ભૂવો? સહેજ પૂછી તો જુઓ.

૨૬-૧૨-૨૦૦૮