ખારાં ઝરણ/કેવળ રહી છે યાદો

કેવળ રહી છે યાદો

કેવળ રહી છે યાદો,
તકદીરનો તકાદો.

સમજણ વધારવાનો,
રસ્તો બતાવ સાદો.

જ્યાં ત્યાં મને મળે છે,
શું છે હજી ઇરાદો?

સદ્ સામે સદ્ લડે છે,
ત્યાં શું કરે લવાદો?

ભવભવ વિરહમાં વીત્યા,
પૂરી કરો સૌ ખાદો.

શ્વાસોનો થાક નાહક,
મારા ઉપર ન લાદો.

મૃત્યુને છેટું રાખે –
‘ઇર્શાદ’ છે ને દાદો?

૧૯-૫-૨૦૦૯