ખારાં ઝરણ/છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર


છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર,
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઇચ્છા એકલી વટભેર ચાલી ન શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

૨૦-૯-૨૦૦૮